Site icon Revoi.in

બનાસકાંઠામાંથી ગાંજો, સ્નેક ડ્રગ્સ અને મેફેડોલ ડ્રગ્સ ઝડપાયું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યોની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. કચ્છના મુંદ્રા બંદર ઉપરથી 9 હજાર કરોડથી વધારે કિંમતનું હેરોઈન પકડાયાનો બનાવની હજુ પોલીસ તપાસ ચાલી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ગાંજો, સ્નેક ડ્રગ્સ અને મેફેડોલ ડ્રગ્સ પકડાયું હોવાનું સામે આવ્યું છે. ડીસામાં પોલીસે એક ધર ઉપર છારો મારીને આ જથ્થો ઝડપી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર એક રહેણાંક મકાનમાંથી ડીસા પોલીસે 250 ગ્રામ ગાંજો, 50 ગ્રામ સ્નેક ડ્રગ્સ અને 8 ગ્રામ મેફેડ્રોલ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં શુભમકુમાર નામનો શખ્સ ડ્રગ્સની હેરફેર કરતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે અંદાજે 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ નશીલા દ્રવ્યોના કેસમાં શુભમને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. તેમજ આ રેકેટમાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે અને આ જથ્થો ક્યાંથી લવાયો હતો તેની પણ તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને એસ.ઓ.જી વર્ષ 2021માં ડ્રગ્સના 19 કેસ અને વર્ષ 2020માં 15 કેસ કરી લગભગ 5 કરોડ મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગુજરાત એટીએસે વર્ષ 2021માં 2 કેસ કરી 10 જેટલા આરોપી પકડી 1.50 કરોડ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત વર્ષ 2020મા 5 કેસમાં 15 થી વધુ આરોપી પકડી 1.77 કરોડ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ncbએ ચાલુ વર્ષમાં 5 જેટલા કેસ કરી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(Photo-File)