અમદાવાદ, 31 જાન્યુઆરી 2026: કેન્દ્રીય અન્વેષણ બ્યુરો એ બેંકિંગ સેક્ટરને કરોડોનો ચૂનો ચોપડીને વર્ષોથી નાસતા ફરતા બે ભાગેડુ આરોપીને દબોચી લેવામાં મોટી સફળતા મેળવી છે. એક અત્યંત ગુપ્ત અને હાઈ-ટેક ઓપરેશન પાર પાડીને CBI એ મુખ્ય આરોપી સંજય શર્મા ઉર્ફે સંજીવ દીક્ષિત ઉર્ફે પંકજ ભારદ્વાજને રાજસ્થાનના બાંસવાડાથી અને તેની સહ-આરોપી શીતલ શર્મા ઉર્ફે આરતી શર્માને ગુજરાતના વડોદરાથી ઝડપી લીધા છે. આ કેસની વિગત ક્રાઈમ થ્રિલર ફિલ્મ જેવી છે. મુખ્ય આરોપી સંજય શર્મા 2014માં હરિયાણા પોલીસના હાથે ઝડપાયો હતો, પરંતુ 4 જુલાઈ 2016ના રોજ સોનીપત કોર્ટમાં રજૂ કરવા લઈ જતી વખતે તે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ તેણે પોતાની જૂની ઓળખ મીટાવી દીધી હતી અને ‘પંકજ ભારદ્વાજ’ નામે બનાવટી દસ્તાવેજો બનાવી રાજસ્થાનમાં છુપાઈને રહેતો હતો.
CBI ની ટીમે પરંપરાગત તપાસની સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. ઓપન-સોર્સ ઈન્ટેલિજન્સ, મોબાઈલ ડેટા એનાલિસિસ અને નાણાકીય વ્યવહારોની બારીકાઈથી તપાસ કરીને એજન્સીએ આરોપીઓના ગુપ્ત ઠેકાણા શોધી કાઢ્યા હતા. ધરપકડ સમયે તેમની પાસેથી નવી ઓળખ ઉભી કરવા માટે બનાવેલા બોગસ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. ઝડપાયેલા બંને આરોપીઓ પર કરોડો રૂપિયાના કૌભાંડના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 13 માર્ચ 2013ના રોજ પંજાબ નેશનલ બેંકના અધિકારીઓ સાથે મિલીભગત કરી 9.95 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. 11 જુલાઈ 2013ના રોજ 4 કરોડ રૂપિયાના અન્ય એક બેંક ફ્રોડનો કેસ નોંધાયો હતો.
કોર્ટે સંજય શર્માને 1016અને 2017માં, જ્યારે આરતી શર્માને 2016માં ‘ભાગેડુ’ જાહેર કર્યા હતા. CBI ના આ સફળ ઓપરેશન બાદ બંને આરોપીઓને સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને દિલ્હી લઈ જવા માટેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે તેમને જે કોર્ટે ભાગેડુ જાહેર કર્યા હતા, ત્યાં રજૂ કરીને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે.
આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિએ ટેલિફોન પર વાતચીત કરી

