Site icon Revoi.in

CBIની સફળતા: હરિયાણાનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર સાહિલ ચૌહાણ થાઈલેન્ડથી ભારત લવાયો

Social Share

નવી દિલ્હી, 11 એપ્રિલ 2026: કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીાઈ)એ એક મોટી સફળતા હાંસલ કરતા હરિયાણાના કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ ભગોડા આરોપી સાહિલ ચૌહાણને થાઈલેન્ડથી ભારત લાવવામાં સફળતા મેળવી છે. વિદેશ મંત્રાલય અને ઇન્ટરપોલના સંકલન દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. સાહિલ ચૌહાણ વર્ષોથી વિદેશમાં છુપાઈને ગેંગ ચલાવી રહ્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર, સાહિલ ચૌહાણને 10 એપ્રિલ 2026 ના રોજ થાઈલેન્ડથી ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરતાની સાથે જ હરિયાણા પોલીસની ટીમે તેની અટકાયત કરી લીધી હતી. સાહિલ હરિયાણા પોલીસની મોસ્ટ વોન્ટેડ યાદીમાં હતો અને તેના પર હત્યા, લૂંટ અને ગેરકાયદે હથિયારો રાખવા જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

સાહિલ ચૌહાણ હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં સક્રિય કુખ્યાત ‘ભુપ્પી રાણા ગેંગ’નો મુખ્ય સભ્ય માનવામાં આવે છે. તે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ની વોન્ટેડ યાદીમાં પણ સામેલ હતો. 4 જાન્યુઆરી 2017ના રોજ યમુનાનગરની જગધરી કોર્ટ સંકુલમાં સુનાવણી દરમિયાન સાહિલ ચૌહાણે મોનુ રાણા પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં તેને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી, પરંતુ જામીન મળ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને વિદેશ ભાગી ગયો હતો.

હરિયાણા પોલીસ માટે માથાનો દુખાવો બનેલા સાહિલને પકડવા માટે નવી દિલ્હી સ્થિત ઇન્ટરપોલની નેશનલ સેન્ટ્રલ યુનિટ દ્વારા તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. આ નોટિસના આધારે બેંગકોકમાં તેની લોકેશન ટ્રેસ કરવામાં આવી હતી અને થાઈલેન્ડ સરકારના સહયોગથી તેને ભારત પરત લાવવામાં આવ્યો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ટરપોલ અને ‘ભારતપોલ’ પ્લેટફોર્મના માધ્યમથી વિદેશમાં છુપાયેલા 150 થી વધુ વોન્ટેડ ગુનેગારોને ભારત પાછા લાવવામાં આવ્યા છે. આ કામગીરીથી વિદેશમાં બેસીને ગેંગ ચલાવતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Exit mobile version