Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે ચૂંટણી પંચની ટીમ, ચૂંટણીના માહોલની કરશે સમીક્ષા

Social Share

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા સોમવારે જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. તેઓ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને એક સાથે કરાવવાની જમીની સ્થિતિની સમીક્ષા કરશે. સૂત્રો મુજબ, ચૂંટણી કમિશનરની આગેવાનીમાં ચૂંટણી પંચની એક ટીમ એપ્રિલ અને મે માસમાં લોકસભાની ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરશે.

ચૂંટણી પંચની ટીમ ચાર માર્ચે શ્રીનગરમાં અને પાંચમી માર્ચે જમ્મુમાં સરકારી અધિકારીઓ તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સાથે બેઠકો પણ કરશે. સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે કે વિધાનસભા ભંગ થયા બાદ નવી ચૂંટણી છ માસની અંદર કરાવવી જોઈએ. જમ્મુ-કાશ્મીરના મામલામાં આ સમયસીમા મે-2019માં સમાપ્ત થઈ રહી છે.

રાજ્યપાલ સત્યપાલ મલિકે નવેમ્બર-2018માં વિધાનસભાને ભંગ કરી દીધી હતી. તેના પહેલા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહબૂબા મુફ્તિઓ પોતાના વિરોધી ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ટેકાથી રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. મહબૂબા મુફ્તિએ 87 ધારાસભ્યો ધરાવતી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં 56 ધારાસભ્યોના ટેકાનો દાવો કર્યો હતો.

જો કે આ દાવા બાદ પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોને પણ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. સજ્જાદ લોનની પાર્ટીના બે ધારાસભ્યો હતા અને તેમણે ભાજપના 25 ધારાસભ્યો તથા 18થી વધારે અન્ય ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં ડિસેમ્બર-2018થી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. તેના પહેલા જમ્મુ-કાશ્મીરમાં છ માસ સુધી રાજ્યપાલ શાસન લાગુ હતું.

28મી ડિસેમ્બરે લોકસભામાં હંગામા વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણાને મંજૂરી આપવામાં આવી હતી. વિપક્ષોએ આનો વિરોધ કરીને તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવના પારીત થયા બાદ સ્પીકર સુમિત્રા મહાજેન કહ્યું હતું કે જો કે આ પ્રસ્તાવ પારીત થઈ ગયો છે અને મંજૂર કરી લેવામાં આવ્યો છે. તેમ છતાં તેઓ એક વિશેષ મામલામાં આની ચર્ચાની મંજૂરી આપી રહ્યા છે. ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના નેતા શશી થરુરે પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને કહ્યુ હતુ કે રાજ્યની વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કરવાનો મોકો આપ્યા વગર રાષ્ટ્રપતિશાસન લાગુ કરી દેવામાં આવ્યું છે.