Site icon Revoi.in

કેન્દ્રનો Grok AI માંથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ, 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો

Social Share

નવી દિલ્હી, 3 જાન્યુઆરી 2026: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના દુરુપયોગની વધતી ઘટનાઓને પગલે ભારત સરકાર એક્શન મોડમાં આવી છે. કેન્દ્રના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે એલોન મસ્કની કંપની ‘X’ ને કડક નોટિસ ફટકારી છે. જેમાં તેના AI ચેટબોટ Grok દ્વારા જનરેટ થતા અશ્લીલ અને આપત્તિજનક કન્ટેન્ટને તાત્કાલિક હટાવવા અને આ મામલે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ 72 કલાકમાં સોંપવા આદેશ આપ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ‘X’ ના જનરેટિવ AI ચેટબોટ ‘Grok’ નો દુરુપયોગ ચિંતાજનક રીતે વધી રહ્યો હતો. યુઝર્સ પ્લેટફોર્મ પર મહિલાઓની તસવીરો પોસ્ટ કરીને AI ને એવા નિર્દેશો આપતા હતા કે જેનાથી તસવીરોમાં છેડછાડ કરી તેને અશ્લીલ કે ઉત્તેજક બનાવી દેવામાં આવતી હતી. આ પ્રકારનું આઉટપુટ મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડનારું અને ભારતીય કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન છે.

આઇટી મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ‘X’ પ્લેટફોર્મે તેની Grok AI ટેકનોલોજીની તાત્કાલિક સમીક્ષા કરવી પડશે. જો પ્લેટફોર્મ આ પ્રકારના કન્ટેન્ટને રોકવામાં નિષ્ફળ જશે, તો તેણે ગંભીર કાયદાકીય પરિણામો ભોગવવા પડી શકે છે. સરકારે કંપનીને તેની સમીક્ષા અને લીધેલા પગલાં અંગે સવિસ્તાર અહેવાલ રજૂ કરવા ત્રણ દિવસનો સમય આપ્યો છે.

વર્ષ 2025 ના અંતિમ સપ્તાહમાં જ મંત્રાલયે નવી ગાઈડલાઈન્સ જારી કરી હતી, જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને અશ્લીલ, એડલ્ટ અથવા ગેરકાયદેસર કન્ટેન્ટ દૂર કરવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. “મહિલાઓની સુરક્ષા અને ડિજિટલ ગરિમા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. પ્લેટફોર્મ્સે તેમના ટૂલ્સનો દુરુપયોગ અટકાવવા માટે જવાબદારી સ્વીકારવી પડશે.” તેમ આઇટી મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું.

ગ્રોક (Grok) દ્વારા નિર્મિત આ અશ્લીલ રૂપાંતરણો માત્ર ભારતના કાયદા જ નહીં, પરંતુ ખુદ ‘X’ પ્લેટફોર્મની આંતરિક નીતિઓ વિરુદ્ધ પણ છે. આ અગાઉ પણ ડીપફેક અને એડલ્ટ AI કન્ટેન્ટને લઈને સરકાર અને ટેક કંપનીઓ વચ્ચે ટકરાવ જોવા મળ્યો છે, પરંતુ આ વખતે સીધી નોટિસ આપીને સરકારે કડક વલણ અપનાવ્યું છે.

આ પણ વાંચોઃ ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી: 7 રાજ્યોમાં કોલ્ડ ડે અને શીતલહેરનું એલર્ટ

Exit mobile version