Site icon Revoi.in

મધ્ય અને પશ્ચિમ રેલવેઃ હવે ટ્રેનમાં એકે-47 સાથે આરપીએફ જવાન નહીં કરે પ્રવાસ

Social Share

નવી દિલ્હીઃ જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં એક સુરક્ષા જવાને કરેલા ફાયરિંગમાં ચાર વ્યક્તિના મોતની ઘટનાને પગલે સફાલા જાગેયાલ આરપીએફએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે મુસાફરી દરમિયાન આરપીએફના જવાનોને એકે-47 લઈને જવાની મંજુરી નહીં મળે. જેના બદલે તેઓ પિસ્તોલ લઈને જશે. હાલ રેલવેના બે ઝોનમાં આ નિયમનો અમલ કરવામાં આવશે. મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેએ આ અંગે ટ્રેન એસ્કોર્ટ પાર્ટી નિર્દેશ કર્યો છે. રેલવેએ આ નિર્ણય 31મી જુલાઈએ બનેલી ઘટના બાદ લીધો છે. જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં કોન્સ્ટેબલ ચેતનસિંહે પોતાની ઓટોમેટિક એસોલ્ટ રાઈફલથી ચાર વ્યક્તિઓની હત્યા કરી હતી.

મધ્ય રેલવેના સિનિયર અધિકારી ઋષિકુમાર શુક્લાએ જણાવ્યું હતું કે, અમારા મધ્ય રેલવે અને મુંબઈ ડિવિઝન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર એસ્કોર્ટ પાર્ટી હવે એકે-47ની જગ્યાએ પોતાની સાથે રિવોલ્વર રાખી શકશે.  જ્યારે પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, ઓટોમેટિક એસોલ્ટ રાઈફલ આપવા સામે પણ આદેશ જાહેર કરાયો છે. હવે એસ્કોર્ટ પાર્ટીને હવે પિસ્તોલ સાથે યાત્રા કરવી પડશે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય રેલવેના તમામ ડિવિઝનો માટે આ પ્રકારના આદેશ આગામી દિવસોમાં જાહેર થાય તેવી શકયતા છે. જો કે, આરપીએફની ટીમ આતંકવાદી હુમલાથી બચવા માટે રેલવે સ્ટેશનો ઉપર તથા નક્સલગ્રસ્ત વિસ્તાર કે જ્યાં જોખમવાળા રેલવે રૂટ ઉપર દોડતી ટ્રેનોમાં મુસાફરી કરતી હોય ત્યારે એકે-47 જેવા હથિયારો સાથે રાખી શકે છે. જયપુર-મુંબઈ ટ્રેનમાં થયેલી દુર્ઘટના ભવિષ્યમાં ન સર્જાય તે દિશામાં રેલવે પોલીસ અને રેલવે વિભાગ વિચારણા કરી રહી છે.