Site icon Revoi.in

રાજકોટમાં યોજાયેલા ડાયરામાં ખુરશીઓ ઉછળી, અસામાજિક તત્વોનો આતંક

Social Share

રાજકોટ: ગુજરાતમાં આમ તો લોકો ડાયરો અને ભજનના શોખીન હોય છે. લોકોને ડાયરાઓમાં જવું પણ વધારે ગમતું હોય છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો ત્યાં તો લોકો તો ડાયરાના દિવાના હોય છે પરંતુ ક્યારેક અસામાજિક તત્વોનો આતંક પણ જોવા મળતો હોય છે.

વાત એવી છે કે ગત રાતે રાજકોટમાં યોજાયેલા કિંજલ દવેના એક કાર્યક્રમમાં દર્શકો દ્વારા ખુરશીઓ ફગાવવામાં આવી હતી. ગુજરાતમાં ડાયરા દરમિયાન નોટો કે ડોલરનો વરસાદ થવો તે કોઇ નવાઇની બાબત નથી. જો કે હવે લોકો ડાયરામાં ભાન ભુલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

લોકો દ્વારા ભાન ભુલી જવામાં આવતા કાર્યક્રમમાં સેંકડો ખુરશીઓનો ખુરદો બોલી ગયો હતો. છાકટા થયેલા લોકોએ અનેક ખુરશીઓ તોડી નાખી હતી.

ઉલ્લેખનીય છે કે આવી જ એક બીજી ઘટના સુરતમાં બની હતી. સુરતમાં પણ આયોજીત થયેલા એક ડાયરામાં પાણીની બોટલો અને ગાદલાઓ ઉછળ્યા હતા. અનેક અસામાજિક તત્વો દ્વારા ડાયરામાં પાણીની બોટલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આટલેથી નહી અટકતા લોકોને બેસવા માટે પાથરવામાં આવેલા ગાદલાઓ પણ ઉછાળવામાં આવ્યા હતા. જેના પગલે ડાયરાના આયોજકો દ્વારા થોડા સમય માટે ડાયરો અટકાવવાની ફરજ પડી હતી. આયોજકો દ્વારા આરોપ લગાવાયો કે આ લોકો દારૂ પીને આવ્યા હતા. કાર્યક્રમ બગાડવાના ઇરાદા સાથે જ આવ્યા હતા.