ચૈત્ર નવરાત્રી 2026 આ વખતે એક ખાસ સંયોગ લઈને આવી રહી છે, જેનાથી ભક્તોમાં ઉત્સાહની સાથે થોડી મૂંઝવણ પણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે અષ્ટમી અને નવમીની તિથિઓ અલગ-અલગ દિવસે આવે છે, પરંતુ આ વર્ષે બંને તિથિઓ એક જ દિવસે એટલે કે 26 માર્ચે પડી રહી છે. નવરાત્રીના આ બંને દિવસોનું ધાર્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ હોય છે, કારણ કે આ દરમિયાન કન્યા પૂજન કરીને વ્રતનું સમાપન કરવામાં આવે છે.
આ વખતે 26 માર્ચે અષ્ટમી તિથિ સવારે 11 વાગીને 47 મિનિટ સુધી રહેશે, ત્યારબાદ નવમી તિથિ શરૂ થઈ જશે. રામ નવમીની પૂજા પરંપરાગત રીતે બપોરના સમયે કરવામાં આવતી હોવાથી, 26 માર્ચે જ બંને તિથિઓનો પ્રભાવ રહેશે. આ જ કારણ છે કે મોટાભાગના વિદ્વાનો અને જ્યોતિષાચાર્યો આ જ દિવસે અષ્ટમી અને નવમી બંને પર્વ મનાવવાની સલાહ આપી રહ્યા છે.
કેટલાક લોકો ઉદયા તિથિ (સૂર્યોદય સમયે રહેલી તિથિ)ને પ્રાથમિકતા આપે છે, જેના આધારે તેઓ 27 માર્ચે રામ નવમી ઉજવવાનો નિર્ણય લઈ રહ્યા છે. આ માન્યતા ધરાવતા ભક્તો આગલા દિવસે પૂજા કરવાનું યોગ્ય માને છે. જોકે, મોટાભાગની માન્યતાઓ અને પંચાંગ અનુસાર 26 માર્ચે જ બંને તિથિઓનો સંયોગ બની રહ્યો છે, તેથી આ જ દિવસે પૂજા કરવી વધુ શાસ્ત્રોક્ત અને યોગ્ય માનવામાં આવી રહી છે.
26 માર્ચે અષ્ટમીની પૂજા સવારના સમયે કરવી અત્યંત શુભ રહેશે. કન્યા પૂજન સવારે 6:16 થી 7:48 વાગ્યા સુધીનું મૂહૂર્ત છે. આ સમયગાળામાં કન્યા પૂજન અને માતા મહાગૌરીની આરાધના કરવાથી વિશેષ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 26 માર્ચે જ નવમી તિથિ શરૂ થઈ જશે, તેથી રામ નવમીની પૂજા પણ આ જ દિવસે કરી શકાશે. રામ નવમી પૂજાનો સમયનો સવારે 11:13 થી બપોરે 1:41 વાગ્યા સુધીનો છે. બપોરે 12:27 વાગ્યાનો સમય અત્યંત મહત્વપૂર્ણ અને ફળદાયી માનવામાં આવ્યો છે.
જે ભક્તો 27 માર્ચે રામ નવમી ઉજવવા માંગે છે, તેમના માટે પણ પૂજાનો સમય લગભગ સમાન જ રહેશે. આ દિવસે પણ સવારે 11:13 થી બપોરે 1:41 સુધી પૂજા કરી શકાશે. જોકે, એ ધ્યાનમાં રાખવું કે નવમી તિથિ 27 માર્ચે સવારે 10 વાગીને 6 મિનિટ સુધી જ પ્રભાવી રહેશે.
આ વર્ષે નવરાત્રીમાં અષ્ટમી અને નવમીનો સંયોગ એક જ દિવસે હોવાથી પરિસ્થિતિ થોડી અલગ છે. જ્યાં મોટાભાગના લોકો 26 માર્ચે જ બંને પર્વ મનાવશે, ત્યાં કેટલાક શ્રદ્ધાળુઓ પોતાની કુળ પરંપરા અને માન્યતા અનુસાર 27 માર્ચે નવમીનું પાલન કરશે. આમ, દરેક વ્યક્તિ પોતાની સુવિધા અને પરંપરા અનુસાર પૂજાનો દિવસ નક્કી કરી શકે છે.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્દેશ: સેનામાં મહિલા અધિકારીઓને પરમેનન્ટ કમિશન મળશે

