Site icon Revoi.in

અમરેલીમાં મોટી તીવ્રતાના ભૂકંપની શક્યતાઓ ઓછી : વૈજ્ઞાનિકોનું તારણ

Social Share

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામે છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. આ સંદર્ભમાં અગાઉ એપ્રિલ-મે માસ દરમિયાન ગાંધીનગર ખાતેથી ઈન્સ્ટિટટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા મિતિયાળાની મુલાકાત લેવામાં આવી હતી અને સર્વે પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર દુનિયાના જમીન વિસ્તારને કુલ ૬ સિસ્મોલોજિકલ ઝોનમાં વહેંચવામાં આવી છે. અમરેલી જિલ્લાનો સમગ્ર વિસ્તાર સિસ્મિક ઝોન-૩માં આવે છે. સિસ્મિક ઝોન ૧ થી ૩માં સામાન્ય ધરતીકંપ અનુભવાતાં હોય છે અને જાનહાનિનું પ્રમાણ ઓછું હોય છે.

સાવરકુંડલાના મિતિયાળા ગામે (શ્રી મિતિયાળા પ્રાથમિક શાળામાં) અવારનવાર અનુભવાતા ભૂકંપના પગલે NDRFની ટીમ દ્વારા માર્ગદર્શન સહ જાગૃત્તિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. NDRF ટીમે શાળાના બાળકો અને ગ્રામજનોને ધરતીકંપ સમયે શું-શું સાવચેતી રાખવી? ધરતીકંપ જેવી કુદરતી આપત્તિમાં ઘાયલ થયેલ લોકોની પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી ? અન્ય આવશ્યક સેફ્ટી કેવી રીતે જાળવવી વગેરે વિષયક વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. ઉપરાંત પ્રાથમિક સારવાર કીટનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિષયક પણ માર્ગદર્શન પણ આ તકે આપવામાં આવ્યું હતુ. ગામના લોકોને અને બાળકોને નહિ ગભરાવવા અને ખોટી અફવાથી નહિ દોરવવા તેમજ સાવચેતી રાખવા માટે NDRFની ટીમે ઉપયોગી સૂચનો કર્યા હતા.

વૈજ્ઞાનિકોએ અગાઉ કરેલા સર્વેમાં સામે આવેલા પ્રાથમિક તારણો મુજબ ધરતીકંપ મોટી તીવ્રતાના ભૂકંપની અસરના કારણે અથવા ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર થયો હોવાના કારણે આવી શકે છે. ભૂકંપની આગાહી ન કરી શકાય પરંતુ આ વિસ્તારમાં મોટી તીવ્રતાના ભૂકંપની શક્યતાઓ ઓછી જણાય છે એવી પણ જાણકારી આપી હતી.