Site icon Revoi.in

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે વધુ ત્રણ બાળકોનો ભોગ લીધો, કૂલ મૃત્યુઆંક 34એ પહોંચ્યો

Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ ત્રણ બાળકનાં મોત થઈ ગયાં છે. એમાં બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી તથા સુરતમાં 1-1 બાળકનાં મોત થઈ ગયાં છે. આ સાથે જ મૃત્યુઆંક 34એ પહોંચ્યો છે અને કુલ કેસ 84 થયા છે.

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આ વાયરસના 4 કેસ સામે આવ્યા છે. જેમાં હાલ ચાંદીપુરા વાયરસના કારણે મોત બે દર્દીના મોત થયા છે. જોકે અન્ય બે દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે  સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં બાળકીનું મોત થઈ ગયું છે. 11 વર્ષય બાળકીમાં લક્ષણ દેખાયાં હતાં. આ બાળકીની સિવિલ હોસ્પિટલના PIC વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. જોકે 36 કલાકની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું હતું. આ બાળકીમાં ઝાડા, ઊલટી,તાવ, માથાનો દુખાવો, ખેંચ લક્ષણો જોવા મળ્યાં હતાં.

આ ઉપરાંત ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 7 વર્ષના બાળકની તબિયત લથડતાં તેને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો  પરંતુ તેનો રિપોર્ટ આવે એ પહેલાં જ સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું હતુ. જોકે ગોંડલનાં રાણસીકી ગામના સરપંચ દ્વારા 1 બાળકનું તેના ઘરે અને બીજાનું હોસ્પિટલમાં એમ બે મોત થયાંનો દાવો કરવામાં આવ્યો છે.

પાલનપુર અર્બન વિસ્તાર અને ડીસાના સદરપુરના દર્દીનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું હોવાનું કહેવામાં આવ્યું છે. જોકે તેમના સેમ્પલ લીધા બાદ તેના રિપોર્ટ આવવાની આરોગ્ય વિભાગ રાહ જોઈ રહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ જે તેમના મોતનું સચોટ કારણ જાણી શકાશે. પરંતુ આ બંને કેસ શંકાસ્પદ હોવા અંગે હાલ તો જાણકારી આપવામાં આવી હતી. જોકે, અન્ય બે વ્યક્તિઓ પણ હાલ સારવાર હેઠળ છે. દાંતીવાડા અને સુઈગામના બે દર્દી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દીઓ હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે, આ બંને દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. જે જલ્દી સ્વસ્થ થઈ જશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. (File photo)