Site icon Revoi.in

શ્રીનગરમાં આજથી શરૂ થઈ રહેલી G-20 સમિટમાં ફેરફાર,હવે ગુલમર્ગ નહીં જાય વિદેશી મહેમાનો, જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા

Social Share

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજથી શરૂ થઈ રહેલી જી-20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. શેર-એ-કાશ્મીર કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી આ બેઠક માટે મરીન કમાન્ડોથી લઈને NSGમાં તૈનાતી કરવામાં આવી છે. દરમિયાન કાર્યક્રમમાં મોટા ફેરફારોની વાત સામે આવી રહી છે.

વાસ્તવમાં ટુરિઝમ વર્કિંગ ગ્રુપ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા વિદેશી મહેમાનો હવે બારામુલ્લાના ગુલમર્ગ નહીં જાય. અધિકારીઓએ છેલ્લી ઘડીએ આ ફેરફાર કર્યો છે. અટકાયતમાં લેવાયેલા ઓવરગ્રાઉન્ડ વર્કરના ખુલાસા પછી, G20 મહેમાનોની મુલાકાત પોશ હોટલ સુધી મર્યાદિત કરવામાં આવી છે.

જી-20 બેઠકને ધ્યાનમાં રાખીને સમગ્ર ઘાટીમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. NSG અને મરીન કમાન્ડો પોલીસ અને અર્ધલશ્કરી દળોની મદદ કરી રહ્યા છે. આ સાથે, કોઈપણ વિસ્ફોટક અથવા આઈઈડીની તપાસ કરવા માટે સ્કેનર અને સ્નિફર ડોગ્સ તૈનાત કરવામાં આવ્યા છે.

G20 ચીફ કો-ઓર્ડિનેટર હર્ષવર્ધન શ્રિંગલાએ રવિવારે જણાવ્યું હતું કે શ્રીનગરમાં પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકમાં મહત્તમ સંખ્યામાં પ્રતિનિધિઓ ભાગ લેશે. જમ્મુ-કાશ્મીરમાં આયોજિત થનારી આ સૌથી મહત્વપૂર્ણ ઘટના હશે.

શ્રીનગર 22-24 મે દરમિયાન ત્રીજી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકનું આયોજન કરશે. પહેલી બેઠક ફેબ્રુઆરીમાં ગુજરાતના રણમાં અને બીજી એપ્રિલમાં પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં થઈ હતી. શ્રુંગલાએ જણાવ્યું હતું કે કાર્યકારી જૂથની બેઠકનો વ્યાપક ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક ઓળખ રજૂ કરવાનો અને દેશની પ્રવાસન ક્ષમતાને વિશ્વ સમક્ષ પ્રમોટ કરવાનો છે.