Site icon Revoi.in

ગુજરાતમાં GIDCના પ્લોટ વેચાણની નીતિમાં ફેરફાર, હવે C ગ્રેડની GIDCમાં દર વર્ષે ભાવ વધારો નહીં

Social Share

ગાંધીનગરઃ  રાજ્ય સરકાર દ્વારા જીઆઇડીસીના પ્લોટના વેચાણની નીતિ બદલવામાં આવી છે. અત્યાર સુધી દર વર્ષે દરેક જીઆઇડીસીના પ્લોટમાં 15 ટકા ભાવ વધારો થતો હતો. આથી અવિકસિત જીઆઇડીસીના પ્લોટ વેચાતા ન હતા. છેવટે સરકારે અવિકસિત એટલે કે સી વર્ગની 17 જીઆઇડીસીના પ્લોટના વેચાણમાં ભાવ વધારો ન કરવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં એ વર્ગ, બી વર્ગ અને સી વર્ગની એમ 234 જીઆઇડીસી છે. આ જીઆઇડીસીના પ્લોટનું વેચાણ કરવામાં આવે છે. વેચાણ સાથે સરકારે એવું પણ નક્કી કર્યુ હતું કે, દરવર્ષે પ્લોટના વેચાણ કિંમતમાં 15 ટકા વધારો કરવો. આ નિતીને કારણે સ્થિતિ એવી સર્જાઇ હતી કે, મોટા શહેરની આસપાસ આવેલી જીઆઇડીસી વસાહતો વિકસિત હોવાથી તેમાં 15 ટકા ભાવ વધારો થવા છતા પ્લોટ વેચાઈ જતા હતા, પણ નાના કેન્દ્રોની આસપાસની તથા અંતરિયાળ વિસ્તારોમાં આવેલી જીઆઇડીસી વસાહતોમાં નિયમ મુજબ પ્લોટની કિંમતમાં દરવર્ષે 15 ટકાનો ભાવ વધારો થાય એટલે વેચાણ થતું ન હતુ. આથી રાજય સરકારે વચલો રસ્તો કાઢીને જે 6 જીઆઇડીસીના પ્લોટ લેવા માટે પડાપડી થાય છે તેમાં દરવર્ષે 15 ટકા ભાવ વધારો કરવો તેવું નક્કી કર્યુ છે. એટલે કે, એ વર્ગની જીઆઇડીસીમાં વર્ષોવર્ષ 15 ટકા ભાવ વધારો કરવામાં આવશે. જયારે બી વર્ગની જીઆઇડીસીમાં 10 ટકાનો ભાવ વધારો કરવામાં આવશે, જયારે સી વર્ગની 17 જીઆઇડીસીમાં દર વર્ષે ભાવ વધારો કરવાને બદલે સમયાંતરે તેની સમીક્ષા કરી ભાવ વધારો કરવો જેથી પ્લોટના વેચાણમાં કોઈ કચાશ ન રહે. (FILE PHOTO)