Site icon Revoi.in

ચારધામઃ બદ્રીનાથ અને યમુનોત્રી ધામના કપાટ બંધ કરવાની તારીખ જાહેર થઈ

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચાર ધામયાત્રા હવે સમાપ્તિ તરફ આગળ વધી રહી છે, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ બંધ થવાની તારીખ જાહેર થયા બાદ હવે બદ્રીનાથ ધામના કપાટ બંધ કરવાની તારીખની જાહેરાત કરાઈ છે. બદ્રીનાથ ધામમાં કપાટ આગામી તા. 18મી નવેમ્બરે બંધ કરાશે. બદ્રીનાથ ધામ કપાટ શિયાળા માટે તા. 18મી નવેમ્બરના રોજ વિધિ વિધાન સાથે બંધ કરવામાં આવશે. મંત્રોચ્ચાર વચ્ચે બપોરના 3.33 કલાકે કપાટ બંધ કરવામાં આવશે. જે બાદ બાબા બદ્રીજી ડોલીમાં શિયાળાના પ્રવાસ માટે જોશીમઠ સ્થિત નૃસિંહ મંદિર જવા માટે રવાના થશે.

બદ્રીનાથ ધામમાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો છે. આ વખતે બદ્રીનાથ ધામમાં લગભગ 16 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ બાબાના દર્શન અને પુજા કરી હતી. બદ્રીનાથ ધામ ઉપરાંત પ્રથમ ધામ યમુનોત્રીના કપાટ 15મી નવેમ્બરના રોજ સવારે 11.57 કલાકે બંધ જશે. યમુનોત્રી ધામના પંડા તીર્થના પુરોહિતોએ પંચાંગ ગણના કરીને કપાટ બંધની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કેદારનાથ ધામ અને ગંગોત્રી ધામના કપાટ બંધની પણ જાહેરાત થઈ ચુકી છે. કેદારનાથ ધામના કપાટ તા. 15મી નવેમ્બરે અને ગંગોત્રી ધામના કપાટ તા. 14મી નવેમ્બરે બંધ થશે.

ઉત્તરાખંડમાં ચાર ધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા વર્ષમાં માત્ર છ મહિના માટે જ ખોલવામાં આવે છે. શિયાળામાં અહીં ખૂબ બરફ પડે છે, તેથી દરવાજા છ મહિના સુધી બંધ રહે છે. આ વખતે ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આટલું જ નહીં, ઘણી મોટી હસ્તીઓ પણ બાબાના દર્શન કરીને પૂજા કરી છે.