Site icon Revoi.in

ગુજરાતમાં લગ્નસરાની સીઝનમાં બાળલગ્નો અટકાવવા હવે ગામડાંમાં ચેકિંગ કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનાથી પૂર્ણિમાં બાદ લગ્નસરાંની સીઝન શરૂ થશે. લગ્નો માટે નાના-મોટા શહેરોમાં પાર્ટી પ્લોટ્સ, મેરેજ હોલ. રસોઈયા, ગોર મહારાજ વગેરે બુક થઈ ગયા છે. જ્યારે ગામડાંઓમાં પણ લગ્નસરાની સીઝન ખીલી ઊઠશે. રાજ્યમાં ઘણાબધા સમાજોમાં હજુ પણ બાળલગ્નો યોજાતા હોય છે. વર્ષોથી બાળ લગ્નોની પ્રથા ચાલી આવતી હોવાથી એમાં કોઈ ફેરફાર થતો નથી. આ વખતે બાળલગ્નો અટકાવવા માટે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગાંમડાઓમાં આકસ્મિક ચેકિંગ ઝૂબેશ શરૂ કરાશે.

રાજ્યના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બાળલગ્નો અટકાવવા માટે આકસ્મિક ચેકીંગ કરવાની જિલ્લાના અધિકારીઓને સુચના આપવામાં આવી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા સમૂહ લગ્નોત્સવમાં વિભાગની ટીમ આકસ્મિક ચેકીંગ હાથ ધરી કસૂરવાર સામે ફોજદારી કાર્યવાહી પણ કરશે. ગાંધીનગર જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા લગ્નસરાની સિઝનમાં બાળલગ્ન થતાં અટકાવવા તૈયારી કરી લીધી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં બાળલગ્નનું દૂષણ વધુ પ્રમાણમાં રહેતું હોય છે. જેનાં પગલે તંત્ર દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા લગ્ન સમારંભો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ બાળ લગ્ન પ્રતિબંધક ધારાની જોગવાઇ પ્રમાણે કોઇપણ વ્યકિત તેની 18 વર્ષની નાની ઉંમરની દીકરી કે 21 વર્ષથી નાની ઉંમરના દીકરા પુત્રના લગ્ન કરશે, કરાવશે કે, પ્રત્યક્ષ કે, પરોક્ષ રીતે લગ્ન યોજવામાં મદદગારી કરશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરીને સંબંધિત કોર્ટમાં બાળલગ્ન ધારા હેઠળ કેસ પણ દાખલ કરવામાં આવશે.

આ અંગે સૂત્રોએ કહ્યું હતું કે, બાળ લગ્ન કરાવનાર માતા-પિતા, ગોર મહારાજ અને મદદ કરતા વ્યકિતઓને બે વર્ષની જેલ અને એક લાખ દંડની જોગવાઇ છે. ત્યારે સમુહ લગ્નોના આયોજકોને પણ સજાગ રહેવા તાકીદ કરાઇ છે. દરેક જ્ઞાતિના આગેવાનો વર, કન્યાના માતા પિતા, વડીલો અને સમુહ લગ્નો કરતાં આયોજકો છોકરા છોકરીની લગ્ન લાયક ઉંમર અંગે પૂરેપૂરી ખરાઇ કર્યા બાદ જ લગ્નનું આયોજન કરે તે દરેક નાગરિકના હિતમાં છે. કોઇ વ્યક્તિ બાળલગ્ન કરતા કરાવતા કે, મદદગારી કરતા હોવાનું જણાશે તો લગ્ન સ્થળે પોલીસ સાથે રેડ પાડીને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.