મુંબઈઃ આજે દેશભરમાં છત્રપતિ શિવાજી મહારાજની 394મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. છત્રપતિ શિવાજી રાજ મહારાજ પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમનાં વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાબાઇ,દાદા કોડદેવ અને ગુરુ સમર્થ રામદાસનો અગત્યનો ફાળો છે. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. સ્વપ્નદ્રષ્ટા નેતા, નિર્ભય યોદ્ધા, સંસ્કૃતિના રક્ષક અને સુશાસનના મૂર્ત સ્વરૂપ તેમનું જીવન પેઢીઓને પ્રેરણા આપે છે. મહારાષ્ટ્રમાં રાજકીય મહાનુભાવોએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધા સુમન પાઠવી હતી. તેમજ મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળો ઉપર સામાજીક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.