કેનબેરા: વડા પ્રધાન એન્થોની અલ્બનીઝના મતે, ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલો વિશ્વનો પ્રથમ પ્રતિબંધ સુનિશ્ચિત કરશે કે બાળકોને તેમનું બચપન પાછું મળે. અલ્બનીઝે મંગળવારે ઓસ્ટ્રેલિયાના રાજ્યો અને સ્થાનિક નેતાઓનો સોશિયલ મીડિયા પ્રતિબંધ પર તેમના સમર્થન બદલ આભાર માન્યો, જે બુધવારથી લાગુ થઈ રહ્યો છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે આ સુધારા માટે ટૂંકા ગાળામાં કેટલાક એડજસ્ટમેન્ટની જરૂર પડશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ તે સાંસ્કૃતિક પરિવર્તન છે જેની ઓસ્ટ્રેલિયાને માતા-પિતાને વધુ માનસિક શાંતિ આપવા અને એ સુનિશ્ચિત કરવા માટે જરૂર છે કે ઓસ્ટ્રેલિયન બાળકોનું બાળપણ સુરક્ષિત રહે.” નવેમ્બર 2024 માં ફેડરલ પાર્લામેન્ટમાં પસાર થયેલા કાયદાઓ હેઠળ, કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એકાઉન્ટ બનાવતા અટકાવવા માટે ‘ઉચિત પગલાં’ લેવા પડશે.
સરકારનું કહેવું છે કે આનાથી સોશિયલ મીડિયાની નકારાત્મક અસર ઓછી થશે, જે યુવાનોને સ્ક્રીન પર વધુ સમય પસાર કરવા પ્રોત્સાહન આપે છે. સાથે જ એવું કન્ટેન્ટ પણ બતાવે છે જે તેમના સ્વાસ્થ્ય અને વિકાસને નુકસાન પહોંચાડી શકે છે. 2025ની શરૂઆતમાં સરકાર દ્વારા કરાવવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 10-15 વર્ષના 96 ટકા બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા, અને તેમાંથી 10માંથી 7 બાળકો હાનિકારક કન્ટેન્ટના સંપર્કમાં આવ્યા હતા. આમાં મહિલાઓ પ્રત્યે નફરત અને હિંસક સામગ્રી તેમજ ખાવાની બીમારીઓ અને આત્મહત્યાને પ્રોત્સાહન આપતું કન્ટેન્ટ પણ સામેલ હતું.
અત્યાર સુધીમાં 10 સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આ પ્રતિબંધ લાગુ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે, જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, થ્રેડ્સ, ટિકટોક, ટ્વીચ, એક્સ, યુટ્યુબ, કિક અને રેડિટનો સમાવેશ થાય છે. આ કાયદાઓ હેઠળ પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ ન તો બાળકો કે ન તો તેમના માતા-પિતાને સજા કરવામાં આવશે. તેને લાગુ કરવાની સંપૂર્ણ જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રહેશે. જે પ્લેટફોર્મ ગંભીર કે વારંવાર ઉલ્લંઘન કરશે, તેમના પર 49.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 32.8 મિલિયન અમેરિકન ડોલર) સુધીનો દંડ થઈ શકે છે. જોકે, સરકારે સ્વીકાર્યું છે કે ઉંમરની પુષ્ટિ કરતી ટેક્નોલોજીને તમામ સગીર એકાઉન્ટ્સની ઓળખ કરવામાં થોડો સમય લાગશે.

