Site icon Revoi.in

રાતના 8 વાગ્યાથી બજાર બંધ થતા બાળકોના જન્મ ઓછા થશે, પાક.ના સંરક્ષણ પ્રધાનનું હાસ્યાસ્પદ નિવેદન

Social Share

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીઓમાં પસાર થઈ રહ્યું છે. આર્થિક બોજ ઘટાડવા માટે કેટલાક મહત્વના નિર્ણય લેવાયાં છે. વિજળી બચાવવા માટે મોટાભાગની સરકારી કચેરીઓમાં કર્મચારીઓને વર્ક ફોર્મ હોમ કરાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં મોટાભાગના બજારો રાતના 8 વાગ્યાથી બંધ કરી દેવામાં આવે છે. પાકિસ્તાનના આર્થિક મુશ્કેલીની અસર ત્યાંના નેતાઓના મગજ ઉપર પણ પડી હોય તેમ લાગી રહ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફએ કહ્યું હતું કે, જ્યાં બજારો રાતના 8 વાગે બંધ થાય છે ત્યાં ઓછા બાળકો જન્મે છે. સંરક્ષણ પ્રધાનના આ હાસ્યાસ્પદ નિવેદનને પગલે લોકો તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી.

પાકિસ્તાન જબરદસ્ત આર્થિક અને વીજળી સંકટનો સામનો કરી રહ્યું છે. આનો સામનો કરવા માટે શાહબાઝ શરીફ સરકાર અનેક પદ્ધતિઓ અપનાવી રહી છે. આમાં વીજળી બચાવવા માટે બજારો અને દુકાનો વહેલા બંધ કરવાના પગલાંનો સમાવેશ થાય છે. દેશના ઘણા ભાગોમાં બજારો, મેરેજ હોલ, મોલ વગેરેને રાત્રે વહેલા બંધ કરી દેવામાં આવે છે, જેથી વીજળીનો વપરાશ ઘટાડી શકાય. પાક સંરક્ષણ મંત્રી આસિફને આ અંગે પૂછવામાં આવતા તેમણે આવુ હાસ્યાસ્પદ નિવેદન આપ્યું હતું.

પાકિસ્તાને વીજળી બચાવવાની યોજના હેઠળ વિવિધ પગલાંની જાહેરાત કરી છે. જેમાં બજારો અને મેરેજ હોલ વહેલા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેલ પર નિર્ભરતા ઘટાડવા માટે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કેબિનેટની બેઠક બાદ મીડિયાને જણાવ્યું કે હવે બજારો રાત્રે 8.30 વાગ્યે બંધ થઈ જશે, જ્યારે મેરેજ હોલ રાત્રે 10 વાગ્યે બંધ થઈ જશે. તેનાથી દેશના 60 અબજ રૂપિયાની બચત થશે. આવતા મહિનાથી બલ્બનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવશે. તેવી જ રીતે, વધુ પાવર વપરાશ ધરાવતા પંખાનું ઉત્પાદન જુલાઈથી બંધ કરી દેવામાં આવશે. આ ઉપાયોથી 22 અબજ રૂપિયાની બચત થશે.