Site icon Revoi.in

ભારતમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીની રૂ. 5551 કરોડની સંપત્તિ ઈડી ટાંચમાં લેશે

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં ચાઈનીઝ મોબાઈલનું મોટુ નેટવર્ક છે અને અનેક મોબાઈલ કંપની દેશમાં કાર્યરત છે. જો કે, સુરક્ષા તથા નાણાને ખોટી રીતે ચીનમાં મોકલવામાં આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન ઈડીને રેડમી અને એનઆઈ બ્રાંડ ધરાવતી ચાઈનીઝ મોબાઈલ કંપની શાઓમીની 5551 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવાની ઓથોરિટીએ મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 29 એપ્રિલે FEMA હેઠળ જપ્તીનો આદેશ જારી કર્યો હતો અને ત્યારબાદ તેને સક્ષમ અધિકારીની મંજૂરી માટે મોકલ્યો હતો જેને મંજૂરી મળી છે.આ સાથે શાઓમીની ટાંચમાં લીધેલ રૂ. 5551 કરોડની સંપત્તિ ભારતના ઈતિહાસની સૌથી મોટી જપ્તી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અગાઉ જણાવ્યું હતું કે ‘કંપની દ્વારા કરાયેલા ગેરકાયદેસર આઉટવર્ડ રેમિટન્સ’ના સંબંધિત કેસમાં ચાઇનીઝ ગેજેટ જાયન્ટની કંપનીના ભારતીય એકમ શાઓમી ઇન્ડિયા પાસેથી રૂ. 5551.27 કરોડ જપ્ત કર્યા છે. કંપની પર ફેમાના ભંગની સાથે મની લોન્ડરિંગનો પણ આરોપ છે.

ઇડીએ જણાવ્યું હતું કે કથિત ગેરકાયદેસર રેમિટન્સની તપાસ આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવી હતી. કંપનીએ ત્રણ વિદેશી સંસ્થાઓને રૂ. 5551.27 કરોડની સમકક્ષ ફોરેન કરન્સી મોકલ્યું છે. આ ત્રણ કંપનીઓમાંથી એક શાઓમી ગ્રૂપની કંપનીનો સમાવેશ થાય છે, રોયલ્ટીના આડમાં આ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ સિવાય અન્ય બે યુએસ સ્થિત સંબંધિત ન હોય તેવી કંપનીઓને મોકલવામાં આવેલી રકમ પણ અંતે શાઓમી ગ્રૂપને જ અંતિમ ફાયદા માટે મોકલવામાં આવી હતી.

શાઓમી ઈન્ડિયાએ વર્ષ 2014માં ભારતમાં કામ શરૂ કર્યું હતું. તે ચીનની અગ્રણી મોબાઈલ કંપની શાઓમીની પૂર્ણ માલિકીવાળી પેટા કંપની છે. શાઓમી ઈન્ડિયાએ 2015થી તેની પેરેન્ટ કંપનીને નાણાં મોકલવાનું શરૂ કર્યું હતું.