Site icon Revoi.in

ગાંધીનગર જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં કૉલેરાના કેસ વધતા તંત્ર દોડતું

Social Share

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં કૉલેરાના કેસ વધતા તંત્ર દોડતું થયુ છે. જેમાં જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીઓની ટીમને રોગચાળાને નિયંત્રણમાં લેવા તાકીદ કરી છે. ગાંધીનગરના દહેગામ, ચિલોડાના શિહોલી મોટી, કલોલના રામદેવપુરાવાસ અને પેથાપુરમાં નવા વણકરવાસમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.

આ વિસ્તારોમાં કૉલેરાના કેસ મળતાં તાત્કાલિક કૉલેરાગ્રસ્ત જાહેર કરાયાં છે અને રોગચાળાને નિયંત્રણમાં લેવા જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીઓની ટીમોને તાત્કાલિક તપાસ માટે મોકલી હતી. આ તમામ અધિકારીઓની ટીમને આ વિસ્તારોની મુલાકાત લઈન જરૂરી પગલાં ભરવા પણ આદેશ અપાયા હતા.

જે બાદ પ્રાંત ઓફિસર, સંબંધિત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી હતી અને તાત્કાલિક અસરથી જરૂરી કાર્યવાહી આરંભી હતી. જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં આ રોગચાળા સંદર્ભે રાખવાની સાવચેતી અંગે લોકોને જાગૃત કરી માહિતગાર કર્યા હતા અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા, પીવામાં શુદ્ધ પાણીનો ઉપયોગ અને જરૂર પડે ઉકાળેલું પાણી પીવા લોકોને સમજાવવામાં આવ્યા હતા.