ગાંધીનગરઃ અમદાવાદ ખાતે આયોજિત ગૌરવશાળી ગુજરાત કૉન્ક્લેવમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત અને વિકાસ આજે એકબીજાના પર્યાય બન્યા છે, જેના પાયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ છે, જેણે એક નવો ઇતિહાસ રચ્યો છે. ગુજરાત વિકાસનું રોલમૉડલ બન્યું છે, એવું તેમણે ઉમેર્યું છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતને લગભગ અઢી દાયકા સુધી નરેન્દ્રભાઈનું નેતૃત્વ અને માર્ગદર્શન પ્રાપ્ત થયા. સ્થિર અને મજબૂત રાજકીય નેતૃત્વના પરિણામે ગુજરાતે વિકાસનાં નવાં નવાં શિખરો સર કર્યા છે. ગુજરાતનું અર્થતંત્ર છેલ્લાં 24 વર્ષમાં તેર ગણું વધ્યું છે. દેશના કુલ જીડીપીમાં ગુજરાતની ભાગીદારી 8.2 ટકા કરતાં વધારે છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન 17 ટકા કરતાં વધારે છે, એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ હોય કે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ હોય, વડાપ્રધાનના દરેક સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત હંમેશાં અગ્રેસર
રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે વિઝન ડોક્યુમેન્ટ 2047 રોડમેપ તૈયાર કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય છે. વર્ષ 2047 સુધીમાં ગુજરાતના જીડીપીને 3.5 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી લઈ જવાનો ધ્યેય રાખ્યો છે. ગુજરાત પોતાના તમામ નાગરિકો માટે લિવિંગ વેલ અર્નિંગ વેલને પ્રાથમિકતા આપે છે. ગુજરાતમાં લોકોનું સરેરાશ આયુષ્ય 70 વર્ષ છે, જેને આરોગ્ય સેવાઓ થકી 2047 સુધીમાં 84 વર્ષ સુધી લઈ જવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. વડાપ્રધાનશ્રીના સર્વસમાવેશક અને ટકાઉ વિકાસના વિઝનને ચરિતાર્થ કરવા પ્રતિબદ્ધ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાનના વોકલ ફોર લોકલન મંત્રને ધ્યાનમાં રાખીને વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિકાસ દરેક જિલ્લા સુધી પહોંચાડવા માટે સરકાર કાર્યરત છે. ગુજરાત ફિનટેક, ગ્રીન ગ્રોથ, બાયોટેક્નોલોજી, ડ્રોન, સેમિકન્ડક્ટર, એઆઈ વગેરે ન્યૂ એજ સેક્ટરમાં આગળ વધવા અને ચિપથી લઈને શિપના નિર્માણ માટે સજ્જ છે. આવનાર વર્ષોમાં ગુજરાતનાં શહેરોનો સર્વગ્રાહી વિકાસ કરવામાં આવશે. ગુજરાતનાં શહેરો હોલિસ્ટિક ડેવલપમેન્ટ થકી ગ્રોથ હબ બનશે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય સ્તરે નીતિ આયોગની જેમ જ ગુજરાતે ગ્રીટ (GRIT)ની રચના કરી છે, એમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાને 75 વર્ષ થશે. ગુજરાતનું અમૃત વર્ષ એક માઇલસ્ટોન પુરવાર થશે. ગુજરાતના વિકાસ માટે ચાર આઈ – ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન, ઇન્ડિવિઝ્યુઅલ્સ અને ઇન્સ્ટિટ્યૂશન્સ આધારિત આયોજન કરવામાં આવ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

