Site icon Revoi.in

અમદાવાદના શહેરીજનોને હવે થોળના પક્ષી અભ્યારણ્ય સુધી સિટીબસ સેવાનો લાભ મળશે

Social Share

અમદાવાદઃ શહેરીજનો માટે થોળ અભ્યારણ્ય સુધીનો સિટીબસનો રૂટ્સ શરૂકરવામાં આવ્યો છે. સિટીબસ શહેરના ખુણે ખુણા સુધી ફરતી હોય છે પરંતુ આ બસના 51 નંબરના રૂટ કે જે લાલદરવાજાના મુખ્ય બસ સ્ટેન્ડથી રાંચરડા સુધીનો હતો તેને હવે છેક કડી તાલુકાના થોળના હરવા-ફરવાના સ્થળ સુધી લંબાવવામાં આવ્યો છે. એટલે કે હવે શહેરીજનો અને શહેરની મુલાકાતે આવેલા મહેમાનો થોળના પક્ષી અભ્યારણની મુલાકાત લેવા માટે AMTC બસમાં મુસાફરી કરીને પહોંચી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં  AMTS 51 નંબરની બસ લાલદરવાજાથી રાંચરડા સુધી દોડતી હતી તે હવે છેક થોળ પક્ષી અભિયારણ સુધી દોડતી થશે. આ બસના રૂટનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. શહેરના લાલદરવાજા AMTS ટર્મિનલથી કડી તાલુકાના થોળ સુધીનો લગભગ 28 કિલોમીટર લાંબી મુસાફરી માટે માત્ર 20 રૂપિયા જ ચૂકવવાના રહેશે. એટલે આ બસનો રૂટ હવે 9.45 કિલોમીટર જેટલો લંબાવવામાં આવ્યો છે. થોળ ફરવા જવા માગતા મુસાફરોની સાથે અમદાવાદ સાથે જોડાયેલા અને રોજ અપ-ડાઉન કરતા લોકોને પણ બસના આ રૂટથી ફાયદો થશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, લાલ દરવાજાથી થોળ સુધીના સિટીબસના રૂટ માટે પાંચ બસ મૂકવામાં આવશે અને લગભગ દર અડધો કલાકથી 40 મિનિટમાં એક બસ આ રૂટ માટે દોડશે. આ બસ લાલદરવાજાથી નીકળીને નહેરૂબ્રિજ, નવરંગપુરા, કોમર્સ કૉલેજ, ગુરુકુળ, હેબતપુર ક્રોસ રોડ, થલતેજ ગામ, શીલજ ગામ, રાંચરડા ગામ, ડાભલા ચોકડી, અઢણા ગામ, સઘી માતાનું મંદિર અને ચંદનપુર ચોકડી રૂટ થઈને થોળ પહોંચશે. વેકેશનનો સમય છે ત્યારે આ બસના રૂટનો વધારે ઉપયોગ થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ રૂટ પર રોજ 30 જેટલી બસો દોડશે.