Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ શરૂ

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં અવારનવાર સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ થતી હોય છે. ત્યાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું કે,આ એન્કાઉન્ટર અરવની વિસ્તારમાં શરૂ થયું છે.પોલીસ અને સુરક્ષા દળો સ્થળ પર તૈનાત છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

રવિવારે શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાકિસ્તાની લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો હતો.જે તાજેતરમાં બાંદીપોરામાં માર્યા ગયેલા બે પોલીસકર્મીઓની હત્યા સહિત અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો.પોલીસે કહ્યું હતું કે,વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ હરવાનમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.તેમણે કહ્યું કે,જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.

બુધવારે જ, કાશ્મીર ખીણમાં થોડી જ મિનિટોમાં બનેલી બે અલગ-અલગ આતંકવાદી ઘટનાઓમાં એક નાગરિક અને એક પોલીસકર્મી માર્યા ગયા હતા. એક તરફ શ્રીનગરના નવાકદલમાં આતંકવાદીઓ દ્વારા એક નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં હુમલામાં પોલીસના એક સહાયક સબ-ઇન્સ્પેક્ટરનું મૃત્યુ થયું હતું.