Site icon Revoi.in

CM રેખા ગુપ્તાએ ભગતસિંહ અને કોંગ્રેસ મુદ્દે કરેલા નિવેદનથી વિવાદ સર્જાયો

CM GUPTA

CM GUPTA

Social Share

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પોતાના એક નિવેદનને કારણે વિવાદોના વમળમાં ફસાયા છે. મંગળવારે દિલ્હી વિધાનસભામાં સંબોધન દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે શહીદ ભગત સિંહે ‘કોંગ્રેસ સરકાર’ વિરુદ્ધ બોમ્બ ફેંક્યો હતો. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વિપક્ષી દળોએ મુખ્યમંત્રીની ઐતિહાસિક જાણકારી પર આકરા પ્રહારો શરૂ કર્યા છે.

આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે મુખ્યમંત્રીનો વીડિયો શેર કરતા લખ્યું કે, “રેખા ગુપ્તાજીને એ પણ નથી ખબર કે શહીદ ભગત સિંહ આઝાદી પહેલાના ક્રાંતિકારી હતા. તેમને લાગે છે કે આઝાદી પછી કોંગ્રેસના વિરોધમાં તેમણે બોમ્બ ફેંક્યો હતો! શાળાના બાળકો પણ જાણે છે કે ભગત સિંહે 1929માં બ્રિટિશ હકુમતના બહેરા કાન ખોલવા માટે સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો.”

ભારદ્વાજે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં તેઓ ભગત સિંહની તસ્વીર સામે હાથ જોડીને માફી માંગતા દેખાય છે. તેમણે કટાક્ષમાં કહ્યું, “અમે તમારી માફી માંગીએ છીએ કે દિલ્હીમાં ભાજપના એવા મુખ્યમંત્રી આવ્યા છે જે કહે છે કે તમે કોંગ્રેસ સરકાર પર બોમ્બ ફેંક્યો હતો.”

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ આ મુદ્દે મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટ્વિટ કર્યું કે, “સુભાષ ચંદ્ર બોઝ પછી હવે દિલ્હી CM શહીદ-એ-આઝમ ભગત સિંહ પાસે કોંગ્રેસ સરકાર વિરુદ્ધ બોમ્બ ફેંકાવી રહ્યા છે. ભગત સિંહ બ્રિટિશ હકુમત સામે લડતા 1931માં માત્ર 23 વર્ષની વયે શહીદ થયા હતા. ભાજપમાં એકથી એક નમૂનાઓ છે.”

આ વીડિયો સામે આવ્યા બાદ નેટીઝન્સ પણ મુખ્યમંત્રીની મજાક ઉડાવી રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જેમને દેશના પાયાના ઇતિહાસની ખબર નથી, તેઓ દિલ્હીનું શાસન કેવી રીતે ચલાવશે? જોકે, આ વિવાદ પર હજુ સુધી મુખ્યમંત્રી કાર્યાલય કે ભાજપ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી.

આ પણ વાંચોઃ એન્ટિબાયોટિક દવાઓ હવે અલગ રંગ કે કોડમાં દેખાશે, કેન્દ્રનો નિર્ણય

Exit mobile version