Site icon Revoi.in

દુબઈ ખાતે યોજાનારા વર્લ્ડ એક્સ્પોમાં PMO મંજુરી આપશે તો જ મુખ્યમંત્રી રૂપાણી ભાગ લેવા જઈ શકશે

DUBAI, MARCH 07 2021: General view of Alif - The Mobility Pavilion at Expo 2020 Dubai. (Photo by Suneesh Sudhakaran/Expo 2020 Dubai)

Social Share

ગાંધીનગરઃ  ગુજરાત સરકાર દ્વારા 2022માં યોજાનારી વાઈબ્રન્ટ સમિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વધુને વધુ રોકાણકારો આવે તે માટે સરકાર પ્રયત્નશીલ બની છે. અને દુબઈ ખાતે 1લી ઓક્ટોમ્બરથી યોજાનારા વર્લ્ડ એક્સ્પોમાં ગુજરાત સરકાર ભાગ લેવાની છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાગ લેવા માટે જવાના છે પણ વર્લ્ડ એક્સ્પોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત હાલ અનિશ્ચિત હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે, રૂપાણીના દુબઈ પ્રવાસની મંજૂરી પીએમઓ (વડાપ્રધાન કાર્યાલય)માં અટવાઈ છે. જો મંજૂરી મળશે તો તેઓ ડેલિગેશન સાથે દુબઈમાં યોજાનારા વર્લ્ડ એક્સપોમાં ભાગ લેવા જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ દુબઈના વર્લ્ડ એક્સ્પોમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયા પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકારે પણ સ્ટોલ રાખ્યો છે. દેશ-વિદેશના રોકાણકારો અને ખ્યાતનામ કંપનીઓ આ એક્સ્પોમાં આવવાની હોવાથી ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાતનાં વિવિધ ક્ષેત્રોનું પ્રમોશન થવાનું છે. બીટુબી અને બીટુજી મીટિંગ ઉપરાંત એમઓયુ પણ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારના અધિકારીઓ અને સ્થાનિક ઉદ્યોગપતિઓનું ડેલિગેશન આ એક્સ્પોમાં જોડાવાનું છે, પરંતુ હાલમાં કોરોનાના સંજોગોમાં મુખ્યમંત્રીના વિદેશપ્રવાસ માટે કોરોના પ્રોટોકોલ અને ક્વોરન્ટીન ગાઇડલાઇન્સ સહિતની બાબતો અંગે રાજ્ય સરકાર દ્વારા પીએમઓનું માર્ગદર્શન માગવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

રાજ્ય સરકારનાં સૂત્રોએ કહ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં પોલિટિકલ ડેલિગેશનના વિદેશપ્રવાસ અંગે કેટલાંક નિયંત્રણો હોય છે. જો ક્વોરન્ટીન સહિતના નિયમો હોય તો સીએમ ભાગ લઈ શકે નહીં. આ સહિતની બાબતો અંગે સરકારે માર્ગદર્શન માગ્યું છે. પીએમઓની મંજૂરી બાદ સીએમના દુબઈ પ્રવાસ અંગે આખરી નિર્ણય લેવાશે. આથી હાલ વર્લ્ડ એક્સપોના આયોજકોને પણ કન્ફર્મેશન અપાયું નથી. કોઈ સંજોગોમાં સીએમ દુબઇ પ્રવાસે નહીં જાય તો ઉચ્ચ અધિકારીઓનું ડેલિગેશન વર્લ્ડ એક્સપોમાં જોડાશે.