Site icon Revoi.in

ગુજરાતમાં મંગળવારથી ઠંડીમાં ક્રમશઃ વધારો થશે, માઉન્ટ આબુમાં રોડ પર બરફના પડ જામ્યાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં માગશર મહિનાના પ્રારંભ થયો હોવા છતાં હજુ અમદાવાદ સહિત મહાનગરમાં તિવ્ર ઠંડી અનુભવાતી નથી. જોકે ગામડાંમાં શહેરોના પ્રમાણમાં વધુ ઠંડી અનુભવાઈ રહી છે. હાલ ઠંડીનું પ્રમાણ ધીરે-ધીરે વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં ધીમી ગતિએ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે મંગળવારથી અમદાવાદમાં ઠંડીનો પારો વધવાની આગાહી કરી છે. જ્યારે 17 ડિસેમ્બરે તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારની તુલનામાં રાત્રે ઠંડીનું પ્રમાણ વધારે નોંધાયું છે. બીજીતરફ આબુમાં તાપમાન 0 ડિગ્રીએ પહોંચતા અનેક રસ્તાઓ પર બરફના પડ જામી ગયા હતા.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  આગામી 24 કલાક ગુજરાતમાં વાતાવરણ સામાન્ય રહેશે. અમદાવાદમાં મંગળવારથી  ઠંડી વધશે. જેમા 14  ડિસેમ્બરે 14થી 16 ડિગ્રી, 15 ડિસેમ્બરે   15 ડિગ્રી, 17 ડિસેમ્બરે 14 ડિગ્રી અને 18 ડિસેમ્બરે 13 ડિગ્રી ઠંડી લઘુતમ તાપામાન રહેશે. જ્યારે રાજ્યના અન્ય શહેરોનું લધુતમ તાપમાન જેઈએ તો વડોદરામાં 17, ભૂજમાં 14, જુનાગઢમાં 17, નલિયામાં 9, ભાવનગરમાં 16, અમરેલીમાં 17, રાજકોટમાં 16 તેમજ પાટણમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું..

કોરોનાના કેસ ઘટતા હાલમાં હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને કપલોની સંખ્યા વધી છે. બીજીતરફ આબુમાં ઠંડીનો પારો દિન-પ્રતિદિન ગગડી રહ્યો છે. માઉન્ટ આબુમાં રવિવારે તાપમાન 0 ડિગ્રી હતું. જેના કારણે અનેક રસ્તાઓ, ઝાડ તેમજ વાહનો પર બરફના પડ જામી ગયા હતા. જેના કારણે લોકો વહેલીવારે આબુમાં રસ્તાઓ પર બરફની ચાદર પર મોજમસ્તી તેમજ ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધુ રહે છે. ડિસેમ્બરનું એક સપ્તાહ વિતી ગયું છે તેમ છતાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે, જેથી આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે.

 

Exit mobile version