Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો પાસેથી 18 ટકા ‘GST 6 વર્ષની ગણતરી કરીને વસુલાશે

Social Share

રાજકોટઃ ગુજરાતમાં કોલેજો પાસેથી વિવિધ સેવાઓ પર વર્ષ 2017થી 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોલેજો પાસેથી જીએસટી વસૂલવાનું ભૂલી ગઈ હતી. અને ઓડિટ દરમિયાન પણ આ ક્ષતિ ધ્યાનમાં આવી નહોતી. દરમિયાન 7 વર્ષ બાદ જીએસટી વસુલવાનું યાદ આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજોના આચાર્યોને પરિપત્ર મોકલ્યો છે. હવે કોલેજોએ 2027થી 2023 સુધીનો જીએસટી ચૂકવવો પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં GST (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) વર્ષ 2017થી લાગુ કરવામાં આવ્યો પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને છ વર્ષ બાદ હવે એટલે કે વર્ષ 2023માં કોલેજોની જુદી જુદી ફી ઉપર જીએસટી વસૂલવાનું યાદ આવ્યું છે. યુનિ. સંલગ્ન કોલેજોના આચાર્યોને પરિપત્ર પાઠવીને નવી કોલેજ, નવો અભ્યાસક્રમ,નવું જોડાણ, વધારાનું જોડાણ, ચાલુ જોડાણ, કાયમી જોડાણ સહિતની જુદી જુદી ફીમાં 18 ટકા જીએસટી વસુલ કરવાનું કહેવામાં આવ્યું છે. આશ્વર્યની બાબત તો એ છે. કે, કોલેજોએ જીએસટી  વર્ષ 2023થી નહીં પરંતુ 2017થી લઇને અત્યાર સુધીનો ચૂકવવો પડશે.

સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન કોલેજોને પાઠવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, સંલગ્ન સંસ્થાઓ દ્વારા પ્રોસેસિંગ ફી, જોડાણ ફી, કાયમી જોડાણ / ચાલુ જોડાણની વધારાની જોડાણ ફી, ટ્રસ્ટ ટુ ટ્રસ્ટ ફેરફાર ફીઝ, સ્થળ ફેરફાર ફીઝ, નામ ફેરફાર ફીઝ વગેરે ફીઝ તથા જો તેના પર લેટ, પેનલ્ટી લેવામાં આવી હોય તો તેના પર તા.01/07/2017ની અસરથી GST રૂપે 18 ટકા લેખે રકમ વસૂલાત કરવાની હોવાથી આ બાકી રકમ સત્વરે યુનિ.માં જમા કરાવવા વિનંતી છે. તા.01/07/2017 કે ત્યારબાદ વર્ષ 2023- 2024 માટેની જોડાણ વિષયક ફી જમા કરાવી છે, તેવી ફી પર 18 ટકા GST આપવો પડશે. ઉપરાંત સંસ્થા દ્વારા લેટ, પેનલ્ટી ફી ચૂકવવામાં આવી હોય તેટલી રકમ પર 18 ટકા GSTની રકમ યુનિ.માં જમા કરાવવાની રહેશે. વર્ષ 2024-2025 માટેની જોડાણ વિષયક ફી જમા કરાવવાની કાર્યવાહી ચાલુ છે તેવી ફી પર 18 ટકા GSTની રકમ જમા કરાવવી પડશે. જો આવી ફી પર સંસ્થા દ્વારા લેટ, પેનલ્ટી ફી ચૂકવવાની થશે તો તેટલી રકમ પર 18 ટકા GST ની રકમ યુનિવર્સિટીમાં જમા કરાવવાની રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિ.સંલગ્ન કોલેજોમાં વર્ષ 2017થી વિવિધ સેવાઓ પર જીએસટીની વસુલાત કરવામાં આવી નથી. હવે જીએસટી વસુલાત માટે પરિપત્ર જારી કરાતા કોલેજોએ એક લાખથી લઈને અઢી લાખ સુધીનો જીએસટી ભરવો પડશે.દરેક કોલેજોને કોર્સ પ્રમાણે જુદી જુદી રકમનો જીએસટી ભરવાનો થશે. જેમાં મિનિમમ 1 લાખ જેટલો અને જે કોલેજે વધુ નવા જોડાણ કે કોર્સ લીધા છે, તેને અઢી લાખ કે તેથી વધુની રકમ જીએસટી તરીકે ભરવી પડી શકે છે.