નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: વિશ્વવિખ્યાત કેદારનાથ ધામમાં દર્શન માટે આવતા ભક્તો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. મંદિરની પવિત્રતા અને ગરિમા જાળવી રાખવા માટે મંદિર સમિતિ દ્વારા પરિસરમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવેથી કેદારનાથ મંદિરના પરિસરમાં કોઈપણ ભક્ત મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત, મંદિરની અંદર ફોટોગ્રાફી કરવા, વીડિયો રેકોર્ડિંગ કરવા કે સોશિયલ મીડિયા માટે ‘રીલ્સ’ બનાવવાની પણ સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવાનો ક્રેઝ વધ્યો છે, જેના કારણે મંદિર પરિસરમાં ભીડ જામતી હતી અને સાચા શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં મુશ્કેલી પડતી હતી. મંદિર એ આસ્થાનું કેન્દ્ર છે, મનોરંજનનું સ્થળ નહીં. મોબાઈલ પરના પ્રતિબંધથી ભક્તો શાંતિ અને એકાગ્રતા સાથે બાબા કેદારના દર્શન કરી શકશે.
મંદિર સમિતિના સભ્ય વિનીત પોસ્ટીએ જણાવ્યું છે કે, જે કોઈ પણ ભક્ત આ નિયમોનો ભંગ કરશે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મંદિર વહીવટીતંત્રે તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ આ નિયમોનું પાલન કરે અને ધાર્મિક મર્યાદા જાળવી રાખવામાં સહયોગ આપે.
ચારધામ યાત્રાને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જેથી લાખો ભક્તો કોઈપણ અડચણ વિના દર્શનનો લાભ લઈ શકે.

