અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.છેલ્લા ત્રણ દિવસથી ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 24, 485 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓનાં મોત થયાં છે. આવી વિકટ સ્થિતિમાં વિપક્ષ કોંગ્રેસે ભૂપેન્દ્ર પટેલની સરકારને વણમાગી સલાહ આપી છે. પ્રદેશ કોંગ્રસે પ્રમુખ જગદિશ ઠાકોરે સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં ભાજપ સરકાર પ્રથમ દિવસથી ગંભીર નથી. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, સરકારે કોરોનાની ત્રીજી લહેરને તોડવા માટે શનિ-રવિ અને 26મી જાન્યુઆરીએ જાહેર રજા હોય સળંગ પાંચ દિવસ રજા રાખીને કડક નિયંત્રણો લાદવા જોઈએ.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠોકોરે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની ગંભીર મહામારીમાં સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર નથી. દેશની સરકાર પણ ગંભીર નથી. ત્રીજી લહેરમાં મોત વધ્યાં નથી, પરંતુ હવે બે આંકડામાં મોત નોંધાઈ રહ્યાં છે. કોરોના કાળમાં નાગરિકોની આરોગ્ય સેવા,સારવાર સહિતની સુવિધા પુરી પાડવાની ભાજપ સરકાર પાસેની આશા ઠગારી નિવડી છે. ભાજપ સરકારના અણઘડ વહિવટ અને ગુનાઈત બેગરકારીને કારણે કોરોનાના પ્રથમ અને બીજા કાળમાં ગુજરાતમાં લગભગ ત્રણ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોને પરિવારજનોને સહાય સહાય આપવામાં વિલંબની નોંધ સુપ્રીમ કોર્ટે લીધા છતાં પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી.
કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે કહ્યું હતું કે, હવે ત્રીજી લહેરની ચેઈન તોડવી પડે. આ માટે સરકાર પાસે તક છે. પાંચ દિવસની રજા જાહેર કરીને સરકાર કડક નિયંત્રણો લાવે તો ત્રીજી લહેરની ચેઈન તોડી શકાય છે. સરકાર કોરોનાના કેસ અને મોતના આંકડાઓ છુપાવી રહી છે. આ બાબત દેશ અને રાજ્યના લોકો સામે ખુલ્લી પડી છે. સરકારે જ્યારે જે જે તબક્કે નિર્ણય લેવાના હતા એમાં પાછી પડી છે. કોરોનાની શરૂઆતમાં ટ્રમ્પનો કાર્યક્રમ અને મેચો રમાડવામાં આવી અને કોરોના વધ્યો હતો. સરકાર અને દેશની સરકાર ચિંતા કર્યા વગર આગળ વધે છે. અમે 26 ડિસેમ્બરે કહ્યું હતું કે વાઇબ્રન્ટ બંધ કરો, પણ 10 દિવસ પછી ખબર પડી અને બંધ કર્યો. તેમણે કહ્યું હતું કે સરકારે WHOની ચેતવણી પણ ન સાંભળી, આજે સમગ્ર દેશમાં 4.30 લાખ કેસો છે. ગુજરાતમાં કોરોનાના ક્યારેય આટલા કેસો આવ્યા નથી. ગઇકાલે 25 હજારની નજીક આંકડો પહોંચી ગયો છે. કોરોના હાલમાં હળવો છે, પરંતુ જ્યારે લોકો અસરગ્રસ્ત થાય ત્યારે તેની અસર ના થાય તેવું નથી. હજી આ આંકડો વધશે.

