Site icon Revoi.in

ગુજરાત કોંગ્રેસના યુવા નેતાઓ સાથે હાઈકમાન્ડની ચર્ચા બાદ 14 સિનિયર નેતાને દિલ્હીનું તેડું

Social Share

અમદાવાદઃ દિવાળી પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, અને વિપક્ષી નેતાની કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાતના 20 જેટલા યુવા કોંગ્રેસના નેતાઓ સાથે હાઈકમાન્ડે ગઈકાલે ચર્ચા કર્યા બાદ હવે ગુજરાત કોંગ્રેસના 14 જેટલા પીઢ નેતાઓને હાઈકમાન્ડનું તેડુ આવતા તમામ આગેવાનો દિલ્હી જવા રવાના થઈ ગયા છે. આવતીકાલે શુક્રવારે રાહુલ ગાંધીની હાજરીમાં બેઠક થશે. તમામને વિશ્વાસમાં રાખીને નવા સુકાનીઓ પસંદ કરવાનો નેતાગીરીનો વ્યુહ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ગુજરાત કોંગ્રેસના સુકાનીઓની જગ્યા મહિનાઓથી ખાલી રહ્યા બાદ તાજેતરમાં પ્રભારીપદે રાજસ્થાનનાં સિનિયર નેતા રઘુ શર્માની નિયુકિત થયા બાદ હવે પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષી નેતાની પસંદગી પ્રક્રિયા પણ ઝડપી બની છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના સંગઠનને બેઠું કરવા હાઈકમાન્ડે કવાયત હાથ ધરી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી દ્વારા ગુજરાતમાં ત્રણ દિવસના કેમ્પ દરમિયાન તમામ નેતાઓ-ધારાસભ્યો સાથે બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો અને તેના આધારે રાષ્ટ્રીય નેતાગીરીને રીપોર્ટ સોંપવાની સાથોસાથ રૂબરૂ મીટીંગ પણ કરવામાં આવી હતી તેના આધારે હાઈકમાંડે પ્રદેશ નેતાઓને તેડાવ્યા છે. ગુજરાતના 14 જેટલા સિનિયર નેતાઓ દિલ્હી જવા રવાના થઈ ગયા છે.  તેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ઉપરાંત અર્જુન મોઢવાડીયા, શકિતસિંહ ગોહીલ, તુષાર ચૌધરી, જગદીશ ઠાકોર, હિમતસિંહ પટેલ, નરેશ પટેલ, વગેરેનો સમાવેશ થાય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, તમામ નેતાઓ સાથે રાહુલ ગાંધી વન-ટુ-વન તથા સંયુકત બેઠક કરશે તેમ મનાય છે. હાઈ કમાન્ડનું તેડુ આવવાને પગલે પ્રદેશ નેતાઓમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. પુર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, શકિતસિંહ ગોહિલ વગેરેના નામ પ્રમુખપદની રેસમાં ગણાવાય છે. હાઈકમાન્ડ યુવા ચહેરાને તક આપવાનો વ્યુહ અપનાવે છે કે અનુભવી પર પસંદગી કરે છે તેના પર નેતાઓની નજર રહી છે. આંતરિક ધમધમાટ તેજ બન્યો છે. ચૂંટણી વર્ષમાં પ્રતિષ્ઠિત પદ મેળવવા માટે અંદરખાને લોબીંગ પણ શરૂ થઈ ગયાનું મનાય છે.

સુત્રોએ ઉમેર્યુ હતું કે,  દિવાળી સુધીમાં નવા પ્રદેશ સુકાનીઓના નામ જાહેર થઈ જવાની શકયતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંચાયત-કોર્પોરેશનની ચૂંટણીઓમાં કોંગ્રેસનાં કંગાળ દેખાવને પગલે નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં આપી દીધા હતા. નવી પસંદગી સુધી તેઓને ચાલુ રહેવા કહેવાયું હતું. આ દરમિયાન  કોરોનાકાળ પંજાબ જેવા રાજયોના પ્રશ્ર્નોને કારણે ગુજરાતનો મામલો ટલ્લે ચડતો રહ્યો હતો.પ્રભારી રાજીવ સાતવના અવસાનથી આ પદ નવી નિયુકિત પણ અનિવાર્ય થઈ પડી હતી. હવે પ્રભારી નિમાઈ ગયા બાદ પ્રદેશ નેતાગીરી નકકી કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે.