Site icon Revoi.in

કોંગ્રેસ દુશ્મનોના એજન્ડાને હવા આપે છે, ઘૂસણખોરોની પક્ષધર બનીઃ પીએમ મોદી

Social Share

બારપેટા, 6 એપ્રિલ 2026: ચૂંટણી રાજ્ય અસમના બારપેટામાં એક વિશાળ જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ મોદીને નીચા બતાવવા માટે સેનાના શૌર્યનું અપમાન કરી રહી છે અને હંમેશા દુશ્મન દેશોના એજન્ડાને પ્રોત્સાહન આપે છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, “સર્જિકલ સ્ટ્રાઈક હોય કે એર સ્ટ્રાઈક… અમે જોયું છે કે કોંગ્રેસે હંમેશા દુશ્મનોના એજન્ડાને હવા આપી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પણ આપણી સેનાએ પાકિસ્તાનને ગણતરીના કલાકોમાં ઘૂંટણિયે લાવી દીધું હતું, પરંતુ કોંગ્રેસે એ જ ગીત ગાયું જે પાકિસ્તાને લખ્યું હતું અને પાકિસ્તાનને પસંદ હતું.” તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસના નેતાઓનું આ ‘પાકિસ્તાન કનેક્શન’ હંમેશા દેશ માટે ઘાતક સાબિત થાય છે.

સેનાના કલ્યાણ અંગે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે ‘વન રેન્ક વન પેન્શન’ મુદ્દે ફૌજી ભાઈઓ સાથે છેતરપિંડી કરી હતી. કોંગ્રેસે માત્ર 500 રૂપિયા બતાવીને વન રેન્ક વન પેન્શન લાગુ કરવાનો દાવો કર્યો હતો, જ્યારે ભાજપ સરકારે વાસ્તવિક લાભ સૈનિકોના ખાતા સુધી પહોંચાડ્યો છે.

અસમના સંવેદનશીલ મુદ્દા પર બોલતા વડાપ્રધાને કહ્યું કે, “કોંગ્રેસ ખુલ્લેઆમ ઘૂસણખોરોનો સાથ આપી રહી છે. તેઓ ગેરકાયદે કબજા વિરુદ્ધની કાર્યવાહીનો વિરોધ કરે છે. કોંગ્રેસ અસમમાં એવો કાયદો બનાવવાની વાત કરી રહી છે કે, જેમાં ‘ઘૂસણખોર’ શબ્દ બોલનારને પણ જેલ થઈ શકે. કોંગ્રેસ કાયદાકીય રીતે ઘૂસણખોરોને પીડિત જાહેર કરવા માંગે છે.”

વડાપ્રધાને કોંગ્રેસના સંકુચિત દૃષ્ટિકોણની ટીકા કરતા કહ્યું કે ભાજપ દીર્ઘકાલીન વિકાસમાં માને છે. તેમણે ખેડૂતોની સમૃદ્ધિની ખાતરી આપતા જણાવ્યું કે એનડીએ ગઠબંધન ખેડૂતોની પહેલી પસંદ છે, કારણ કે સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ખેડૂતોને મળતા લાભો સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય. પીએમ મોદીએ અંતમાં ઉમેર્યું કે કોંગ્રેસ હવે માત્ર ગણ્યાગાંઠ્યા રાજ્યોમાં બચી છે કારણ કે તેઓ કામનો હિસાબ આપવાને બદલે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચોઃ યુદ્ધ વચ્ચે ભારત શાંતિ સ્થાપવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે: ઈરાન

Exit mobile version