નવી દિલ્હી, 27 ડિસેમ્બર 2025: ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધી એવા ‘ગ્લોબલ પ્રોગ્રેસિવ એલાયન્સ’નો ભાગ છે જે ભારત વિરોધી ગતિવિધિઓ સાથે જોડાયેલું છે. ભાજપના મતે, કોંગ્રેસ હવે વિદેશી તાકાતોની મદદથી દેશમાં સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
સુધાંશુ ત્રિવેદીએ સેમ પિત્રોડાના તાજેતરના નિવેદનનો હવાલો આપતા કહ્યું કે, “પિત્રોડાએ સ્વીકાર્યું છે કે કોંગ્રેસ પાર્ટી ગ્લોબલ પ્રોગ્રેસિવ એલાયન્સનો હિસ્સો છે અને રાહુલ ગાંધી તેના સહ-અધ્યક્ષ છે. રાહુલ ગાંધીની જર્મનીની મુલાકાત પાછળનો હેતુ પણ આ એલાયન્સમાં ભાગ લેવાનો જ હતો.” ભાજપે સવાલ કર્યો કે, શું કોંગ્રેસ હવે ભારત વિરોધી વૈશ્વિક ગઠબંધનની સત્તાવાર સભ્ય બની ગઈ છે?
ભાજપે જ્યોર્જ સોરોસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, 23 જાન્યુઆરી 2020ના રોજ દાવોસમાં સોરોસે રાષ્ટ્રવાદી શક્તિઓને હરાવવા અને પીએમ મોદીને ટાર્ગેટ કરવા 10 લાખ ડોલરના ફંડની જાહેરાત કરી હતી. સેમ પિત્રોડા સોરોસ સાથે જોડાયેલા લોકો સાથે ઉઠતા-બેસતા હોવા છતાં કહે છે કે તેમને કોઈ ફરક પડતો નથી. ભાજપે પૂછ્યું કે, “રાહુલ ગાંધી કોના દબાણમાં વિદેશ જાય છે અને ત્યાં જઈને ભારત વિરોધી સંસ્થાઓમાં નિવેદનો કેમ આપે છે?”
રાહુલ ગાંધીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત ન થવા અંગે વાંધો ઉઠાવ્યો હતો, જેના જવાબમાં ભાજપે કહ્યું કે, મુલાકાત માત્ર યજમાન દેશ જ નહીં, મહેમાન દેશ પણ નક્કી કરે છે. વધુમાં, રાહુલ ગાંધીએ જર્મનીમાં જે સંસ્થામાં ભારત વિરોધી નિવેદન આપ્યું, તે સંસ્થા રશિયામાં પ્રતિબંધિત હોવાનો દાવો પણ ભાજપે કર્યો છે.
કોંગ્રેસની સંગઠનાત્મક નબળાઈ પર કટાક્ષ કરતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, “કોંગ્રેસની સ્થિતિ એવા બેટ્સમેન જેવી છે જે ક્યારેય નેટ પ્રેક્ટિસ (સંગઠનની બેઠકો કે તાલીમ) કરતો નથી અને જ્યારે મેચમાં આઉટ થઈ જાય છે ત્યારે અમ્પાયર (ચૂંટણી પંચ) પર સવાલ ઉઠાવે છે.” તેમણે ઉમેર્યું કે દેશમાં સત્તા મેળવવાની શક્યતાઓ ખતમ થતી જોઈ રાહુલ ગાંધી હવે ભારત વિરોધી તાકાતોની મદદ માંગી રહ્યા છે.

