Site icon Revoi.in

મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ, કોંગ્રેસના આગેવાનો સહિત લોકો પદયાત્રામાં જોડાયા

Social Share

મોરબીઃ પ્રદેશ કોંગ્રેસ દ્વારા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ,  રાજકોટનો અગ્નિકાંડ,તક્ષશિલા આગ કાંડ ,  લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડનો ભોગ બનેલા લોકોને ન્યાય આપવા આજે મોરબીથી 300 કિમીની પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો. ગુજરાત ન્યાય પદયાત્રા આજે મોરબીથી ગાંધીનગર જવા માટે રવાના થઈ હતી. પદયાત્રાના પ્રારંભ પહેલા મોરબીના દરબારગઢ ચોકમાં વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પ્રગતિબેન આહીર, અમીબેન વિગેરે આગેવાનોની હાજરીમાં સભા યોજાઈ હતી. જેમાં ભાજપની સરકાર સામે પ્રહારો કરાયા હતા.

મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમ નાદ સાથે આજથી એટલે કે 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થઈ છે. જે ગુજરાતના 5 જિલ્લા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાંથી પસાર થઈને 300 કિમીનો પ્રવાસ ખેડશે. છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં બનેલી  મોટી દુર્ઘટના​​​​​માં સામાન્ય લોકો હોમાયા છે જો કે, એકપણ ઘટનામાં લોકોને ન્યાય મળ્યો નથી જેથી પીડિત લોકોને ન્યાય અપાવવા માટે આ ગુજરાત ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડ પાસે વરસતા વરસાદમાં કોંગ્રેસની ન્યાયયાત્રા પહોંચી હતી. અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, વિમલ ચુડાસમા, પ્રગતિ આહીર સહિતના કોંગ્રેસના આગેવાનો વરસતા વરસાદમાં પદયાત્રા કરી દરબારગઢથી ટંકારા તરફ પ્રયાણ કર્યુ હતું.

મોરબીમાં વરસતા વરસાદમાં ન્યાયયાત્રાનો પ્રારંભ થયો હતો. કોંગ્રેસ નેતા અમિત ચાવડા તેમનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો હતો. લોકોએ ચાલુ વરસાદમાં પણ તેમને સાંભળ્યા હતા. બાદમાં વરસાદમાં ભીંજાતા ટંકારા જવા પ્રયાણ કર્યું હતું. યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અનેક આગેવાનો અને પીડિત પરિવારો જોડાયા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મોરબી ખાતે ક્રાંતિ સભામાં જણાવ્યું કે, ગુજરાતમાં ખાડે ગયેલું તંત્ર છે. નોન કરપટેડ અધિકારીને તપાસ સોંપે તો જ હકીકત સામે આવે તેમ છે. દારૂ, જુગાર અને જમીનની ફાઇલોમાં રોકડી કરે છે તેને તપાસ સોંપો તો કુલડીમાં ગોળ જ ભાંગે. દોષિતોને સાબરમતિ જેલમાં નાખો. પાલિકાને સુપરસીડ કરી તો તેની સામે પણ આઇપીસીની કલમ 302 મુજબ ગુનો નોંધવો જોઇએ. આ સાથે ગુજરાતીઓ જાગો અને ભાજપને છોડોનો નાદ કર્યો હતો.