Site icon Revoi.in

અમદાવાદમાં થલતેજ ખાતે શ્રી સાંઈધામ સનાતન મંદિરનું ખાતમુહૂર્ત કરાયું

Social Share

અમદાવાદઃ શહેરના થલતેજ ખાતે  નવનિર્મિત થનાર શ્રી સાંઈધામ મંદિરનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે  નવનિર્મિત થનાર મંદિરનું ભૂમિપૂજન કરાયું હતું. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સૌ ભક્તોએ જય શ્રી રામનો જયઘોષ કર્યો હતો. 

આ પ્રસંગ્રે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આપણાં તીર્થક્ષેત્રો, સનાતન સંસ્કૃતિના આસ્થાનાં કેન્દ્રોનો વિકાસ થઈ રહ્યો છે. શાસ્ત્રોમાં આપણાં તીર્થક્ષેત્રોની દિવ્યતાનું વર્ણન છે તેવી જ દિવ્યતાને પુન:સ્થાપિત કરવા વડાપ્રધાન પ્રયાસરત છે, એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ અને આપણે સૌએ નિહાળી તે સૌભાગ્યની વાત છે. આજે દેશમાં એક બાજુ સંસ્કૃતિનું પુનઃસ્થાપન થઈ રહ્યું છે અને બીજી બાજુ એરપોર્ટ, એઈમ્સ નિર્માણ જેવાં ભવ્ય વિકાસકાર્યો થઈ રહ્યા છે, તેવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોને શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત તેમણે અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે શહેરીજનોને શુભેચ્છાઓ આપી હતી. સાથે સાથે તેમણે વીર સાવરકર અને કવિ નર્મદની પુણ્યતિથિ પર તેમનું પુણ્યસ્મરણ કરી આજના દિવસને અનેરો ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, આજનો દિવસ વીરતાનો દિવસ પણ કહી શકાય, કારણ કે, આજના દિવસે ભારતીય વાયુ સેનાએ બાલાકોટ એરસ્ટ્રાઇક કરી આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ ખાતમુહૂર્ત પ્રસંગે મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ, પીઠાધિશ્વર સ્વામી શ્રી અવિચલદાસજી મહારાજ, શ્રી ચૈતન્ય શંભુ મહારાજ, ડેપ્યૂટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તથા સ્થાનિક કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

Exit mobile version