Site icon Revoi.in

શિવસેનાને ખતમ કરવા અને મહારાષ્ટ્રનો અવાજ દબાવવાનું ષડયંત્રઃ આદિત્ય ઠાકરે

Social Share

મુંબઈઃ શિવસેનાના નેતા સંજય રાઉતની ઈડીએ અટકાયત કર્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન ભાજપ અને શિંદે જૂથ પર આકરા પ્રહાર કરતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, આ શિવસેનાને ખતમ કરવા, મહારાષ્ટ્રનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. તે બધાની સામે છે અને તે જાણીતું છે. આદિત્ય ઠાકરે પહેલા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પણ કહ્યું હતું કે, ઈડીની તપાસમાં સત્ય બહાર આવશે.

સીએમ શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે, “ભલે શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને સામનાના સંપાદક સંજય રાઉતની ED દ્વારા અટકાયત કરવામાં આવી છે, પરંતુ સત્ય તપાસ પછી બહાર આવશે,” તેમણે વધુમાં કહ્યું કે સંજય રાઉતે અમારી અને અમારી સાથેના 50 ધારાસભ્યોની વારંવાર ટીકા કરી હશે, પરંતુ અમે તેમ કરીશું નહીં. આ પ્રસંગે બોલતા તેમણે સ્પષ્ટતા કરી છે કે અમે તેમની ટીકાનો જવાબ અમારા કામ દ્વારા આપીશું.

શિવસેનાના નેતા સંજય રાઉતની ગત મોડી રાત્રે પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા લગભગ 18 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. સંજય રાઉતને આજે પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સાથે જ શિવસેનાના કાર્યકરો તેમની ધરપકડથી નારાજ છે. તેની ધરપકડ થતાં જ શિવસેનાના કાર્યકર્તાઓ ED ઓફિસની બહાર એકઠા થઈ ગયા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

ઈડીએ એક કેસમાં શિવસેનાના નેતા સંજય રાઉતની અટકાયત કરતા કોંગ્રેસ સહિતના વિપક્ષે રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો. જેથી સભા મુલત્વી રાખવામાં આવી હતી.