નવી દિલ્હીઃ છેલ્લાં આઠ વર્ષમાં દેશમાં આદિવાસી સમુદાયના વિકાસ માટે ઘણી યોજનાઓ અમલી બની છે. તેમ એક કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, આદિવાસી સમુદાયના વિકાસ પાછળનો ખર્ચ, 2014 પહેલાં માત્ર 19 હજાર કરોડ રૂપિયા હતો, તે હવે 91 હજાર કરોડ રૂપિયાને સ્પર્શી ગયો છે. નરેન્દ્ર મોદીના શાસનમાં આદિવાસી સમાજના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તેમજ આઠ વર્ષના સમયગાળામાં આદિવાસી વિસ્તારોમાં 650થી વધારે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું નિર્માણ કરાયું છે.
તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી બાબતોના વિભાગ માટેની અંદાજપત્રિત ફાળવણી પણ 2014 પહેલાં 3 હજાર 800 કરોડ રૂપિયાની સરખામણીએ વધીને સાડા આઠ હજાર કરોડ રૂપિયા થઈ છે. મંત્રીએ ઉમેર્યું કે, સરકારે 650થી વધુ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું નિર્માણ કર્યું છે અને આદિવાસી વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વેગ આપવા માટે 29 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે.
ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં ઉમેર્યું કે આદિવાસી વિસ્તારોમાં રોજગારીનું સર્જન કરવા અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓ, પ્રધાનમંત્રી જન ધન યોજના, પરંપરાગત ઉદ્યોગોના પુનર્જીવન માટે ભંડોળની યોજના અને સ્ટેન્ડ અપ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ફાયદાઓ વિશે વાત કરતાં ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે આ નવી નીતિ આદિવાસી સમુદાયને લાભ કરશે અને માતૃભાષા તથા સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય જાડાં ધાન્ય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને આદિવાસીઓને આ ઉત્પાદનોથી ઘણો ફાયદો થશે.