Site icon Revoi.in

અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો પાયો મકરસંક્રાંતિએ નખાશે

Social Share

દિલ્હીઃ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ઉપર ભગવાન શ્રીરામજીનું મંદિર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી મકરસંક્રાંતિએ મંદિરના નિર્માણનો પાયો નાખવામાં આવશે અને આગામી ડિસેમ્બર 2023 સુધીમાં નિર્માણ કાર્ય પુરુ કરવામાં આવશે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ ચંપત રાયજીએ જણાવ્યું હતું કે પાયાની મજબૂતી પર મંથન કરવામાં આવી રહ્યું છે. જેમાં આઈઆઈટી, મુંબઈ, ગુવાહાટી, ચેન્નાઈ, રૂડકી, એનઆઈટી સુરત, ટાટા, એલએન્ડટીના વિશેષજ્ઞો સામેલ છે. રામમંદિરની સુરક્ષાને લઈને અનેક પાસાઓને જોવામાં આવશે. પાયાની જમીન રેતાળ હોઈ તેને ધ્યાને લઈને પથ્થર, કોંક્રીટ અને ત્રાંબાનો ઉપયોગ કરવામાં આવશે. આગામી ડિસેમ્બર 2023 સુધીમાં નિર્માણનું કામ પૂર્ણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રામમંદિરના નિર્માણ માટે ધનસંગ્રહ અભિયાન ચલાવવામાં આવશે. જે અંતર્ગત 11 કરોડ ઘરોના સંપર્કનું લક્ષ્‍ય રખાયું છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દેશભરમાં શ્રદ્ધાળુઓના ઘરે જશે અને ધનસંગ્રહ કરવામાં આવશે. અયોધ્યામાં રામ જન્મભૂમિ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મંદિર નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.