Site icon Revoi.in

અંબાજીમાં પ્રસાદ બનાવવામાં નકલી ઘીના મુદ્દે વિવાદ સર્જાયા બાદ કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરાયો

Social Share

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં શુદ્ધ ઘીના સ્થાને નકલી ઘીના મુદ્દે વિવાદ સર્જાયા બાદ રાજ્ય સરકારે હાલના કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. અને જુના કેટરર્સના સ્થાને પ્રસાદ બનાવવાનું કામ અક્ષયપાત્ર સંસ્થાને સોંપવા સરકારે વિચારણા શરૂ કરી દીધી છે. જૂના કેટરર્સનું ટેન્ડર પૂર્ણ થયા બાદ ફરી મંદિર ટ્રસ્ટ દ્વારા તેને રિન્યુ કરાયું નહોતુ. 30મી સપ્ટેમ્બરે તેનું ટેન્ડર પૂરૂ થઈ ગયું હતું. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ જિલ્લાના અધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આખરે સરકારે નિર્ણય લઈને નવી એજન્સી અક્ષયપાત્ર સંસ્થાને પ્રસાદી બનાવવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવાની વિચારણા શરૂ કરી દીધી છે એમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદ બનાવતા કોન્ટ્રક્ટને ત્યાંથી નકલી ઘીના ડબ્બા પકડાતા આ મુદ્દે ભારે વિવાદ ઊભો થયો હતો. આ મુદ્દે દાંતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતી ખરાડીએ પણ મુખ્ય મંત્રીને પત્ર લખીને પ્રસાદમાં ભેળસેળ કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ધારાસભ્યએ પત્રમાં લખ્યું હતું કે, મોહનથાળના પ્રસાદ બનાવવામાં વપરાતી તમામ વસ્તુ હલકી ગુણવત્તાવાળી છે. પ્રસાદમાં વાપરવામાં આવેલા ઘીના ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલાં સેમ્પલ ફેઇલ થયાં હતાં. તેમ છતાં એજન્સી દ્વારા પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. પ્રસાદ બનાવતી કંપનીમાં કામ કરતા કામદારોની પુછપરછ કરવી જોઈએ અને તેમના સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોના કહેવા મુજબ અંબાજી મંદિરમાં પ્રસાદ બનાવવા માટે ખાદ્ય ઘી બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ “સબ સ્ટાન્ડર્ડ” આવતા કેટરર્સના જવાબદાર વ્યક્તિ સામે ફૂડ વિભાગ દ્વારા કોર્ટ કાર્યવાહી કરવામાં આવી છે.  તપાસ દરમિયાન પ્રસાદમાં ઉપયોગમાં લેવાનારૂં ખાદ્ય ઘી પર શંકા જણાતા તેનું સ્થળ પર જ મોબાઈલ ફૂડ ટેસ્ટીંગ વાનમાં પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે યોગ્ય ન જણાતા રૂ.8 લાખની કિંમતનો 2820 કિ.ગ્રા ઘીનો ભેળસેળવાળો જથ્થો તા.28મી ઑગસ્ટના રોજ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ અંબાજી પોલીસે  નીલકંઠ ટ્રેડર્સમાં તપાસ કરી 15 કિલો ઘીના 3 ડબ્બા કબ્જે કર્યા છે. અંબાજી પોલીસે નીલકંઠ ટ્રેડર્સ અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

 

Exit mobile version