Site icon Revoi.in

ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ કાયદો પરત ન ખેંચતા માલધારીઓ દ્વારા સૌરાષ્ટ્રમાં સંમેલનો યોજાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતના નાના-મોટા તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવા માટે સરકારે વિધાનસભામાં કાયદો ઘડ્યો હતો. દરમિયાન આ કાયદાનો વિરોધ થતાં સરકારે નવા બનેલા કાયદાને સ્થગિત કર્યો હતો. માલધારીએ ઢોર અંકુશ નિયંત્રણના કાયદાને રદ કરવાની માગણી કરી રહ્યા છે. સરકારે કાયદો રદ કરવાની બાંયેધરી આપી છે. પણ માલધારીઓ માનતા નથી. અને ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા સૌરાષ્ટ્રના સાતેય જિલ્લામાં સંમેલનો યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવેલા ઢોર નિયંત્રણ કાયદા અંતર્ગત સરકારે 15 દિવસમાં જ નિર્ણય લઈ અને કાર્યવાહી કરવા હૈયા ધારણા આપવામાં આવી હતી. જોકે આ બાંહેધરી છતાં સરકાર દ્વારા કોઈ જ ગતિવિધી શરૂ કરી નથી. ત્યારે ફરીથી એક વખત ગુજરાત માલધારી મહા પંચાયત મેદાને ઊતરી છે. અને આગામી તારીખ 30મેથી સૌરાષ્ટ્રમાં તમામ સાત જિલ્લામાં સંમેલનો યોજી અને રજૂ થયેલો કાયદો રદ્દ કરવા માગ ઉઠાવાશે

ગુજરાત માલધારી મહા પંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં માલધારી સંમેલનો યોજાશે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામજોધપુર, દ્વારકા, પોરબંદર, વેરાવળ અને કેશોદ ખાતે સંમેલન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી ઢોર અંકુશ નિવારણનો કાયદો રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. 30મી મેથી અલગ અલગ સ્થળોએ માલધારીઓના સંમેલનો યોજાશે. માલધારી મહા પંચાયત દ્વારા ફરીથી શરૂ કરવામાં સંમેલનરૂપી આંદોલનમાં માલધારી સમાજ સાથે સંકળાયેલા વિવિધ સંતો, મહંતો, ભુવા, સામાજીક આગેવાનો તેમજ કોંગ્રેસના બે માલધારી ધારાસભ્યો લાખા ભરવાડ અને રઘુ દેસાઈ જોડાશે અને આંદોલનને વધુ વેગ આપવા પ્રયાસ કરશે.(file photo)