Site icon Revoi.in

જૂનાગઢમાં સાધુ-સંતોનું સંમેલનઃ સનાતન સંરક્ષણ સમિતિની રચના

Social Share

અમદાવાદઃ સનાતન ધર્મના સન્માન જળવાય રહે તેવા પ્રયાસો માટે રાજ્યના સાધુ-સંતો એકમંચ ઉપર એકત્ર થયાં છે. જૂનાગઢમાં ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમમાં સનાતન સાધુ-સંતોનું સંમેલન યોજાયું હતું. જેમાં સંત સંમેલનમાં સનાતન સંરક્ષણ સમિતિની જાહેરાતની સાથે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમજ હવે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ચલાવી નહીં લેવાય તેવો મત તમામ સાધુ-સંતોએ વ્યક્ત કર્યો હતો.

સાધુ-સંતોના સંમેલનમાં દ્વારકાના જગતગુરુ શંકરાચાર્યજીને સનાતન ધર્મ સિનિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે, એટલું જ નહીં તમામ સમિતિઓના અધ્યક્ષ પણ જગતગુરુ શંકરાચાર્યજીને બનાવવામાં આવ્યાં છે. જ્યારે સંરક્ષણ સમિતિના અધ્યક્ષ બ્રહ્માનંદ ધામના મુક્તાનંદ બાપુને બનાવવામાં આવ્યાનું જાણવા મળે છે. સમેલનને લઈને ચૈતન્યસંભુ મહારાજે જણાવ્યું હતું કે, તમામ સાધુ-સંતોના મત બાદ સમિતિની રચના કરવામાં આવી છે. તેમજ વિવિધ સિમિતિઓ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા નિર્ણયો હવે ગૌરક્ષનાથ આશ્રમમાં પણ લેવામાં આવશે.

ધર્મ ગુરુ જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે, આજે બધા એક જ અવાજ રજૂ કરવાના છે, કોઈપણ સંપ્રદાય દ્વારા થતી સનાતધર્મની હાની સ્વીકારવામાં નહીં આવે,  સનાતન ધર્મ વિશે જે કોઈ ઘસાતું કરશે તેને જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ સાથે આજે બધા એક થઈને નિર્ણય લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાળંગપુર હનુમાનજી મંદિર સંકુલમાં મુકવામાં આવેલી હનુમાનજીની વિશાળ પ્રતિમાની નીચે કેટલાક ભીતચિત્રો લગાવવામાં આવ્યાં હતા. આ ચિત્રોને લઈને વિવાદ થતા રાજ્યના સાધુ-સંતો એક થયા હતા અને ચિત્રોને લઈને સ્વામીનારાયણ સંપ્રદાય સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. જેથી તમામ વિવાદીત ચિત્રો તાબડતોબ હટાવાયાં હતા.