દિલ્હી:ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.દિનપ્રતિદિન ફરી એકવાર કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.ભારતમાં 126 દિવસ પછી કોરોના બોમ્બ ફાટ્યો છે.18 માર્ચ 2023 શનિવારે એટલે કે આજે કોરોના વાયરસના ચેપના 800 થી વધુ કેસ નોંધાયા છે.
શનિવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર દેશમાં કોવિડ-19ના 843 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,94,349 થઈ ગઈ છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં એક-એક મૃત્યુ નોંધાયા છે, જ્યારે કેરળમાં બે મૃત્યુ નોંધાયા છે.આ સાથે કુલ મૃતકોની સંખ્યા વધીને 5,30,799 થઈ ગઈ છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 5,839 છે, જે સંક્રમિતોની કુલ સંખ્યાના 0.01 ટકા છે.તે જ સમયે, ચેપમાંથી સાજા થનારાઓનો રાષ્ટ્રીય દર 98.80 ટકા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં કોવિડ-19ને હરાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 4,41,58,161 થઈ ગઈ છે. તે જ સમયે, મૃત્યુ દર 1.19 ટકા હોવાનો અંદાજ છે.આમ,સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
કોરોનાના કેસ ફરી વધતા દેશમાં રસીકરણ અભિયાન જોરોશોરોથી ચાલી રહ્યું છે.મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.64 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
હાલ કોરોના વાયરસની સાથે H3N2 ના કેસ પણ જોવા મળી રહ્યા છે.આ વાયરસના કારણે પણ લોકો મોતને ભેટ્યા છે.જેને રોકવા સરકાર વેક્સિન પર કામ કરી રહી છે.