Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં કરફ્યુમાં વધુ છૂટછાટ અને લગ્નમાં 300ને મંજુરી અપાય તેવી શક્યતા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતો જાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકોને અગવડ ન પડે તે માટે કોવિડના નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવાનું વિચારવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વસંતપંચમીએ હજારો લગ્નો છે જ્યારે પ્રસંગોમાં વધુ સંખ્યામાં હાજરીની છૂટ્ટ ઉપરાંત કરફયૂમાં પણ છૂટછાટ આપતો નિર્ણય થવાની શકયતા છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારે કોવિડના નિયંત્રણો વધુ સખત બનાવ્યા હતા. હાલ અમદાવાદ સહિત આઠ મહાનગરો તથા 19 નગરો સહિત કુલ 27 શહેરોમાં નાઈટ કરફયૂ લાગુ છે. વર્તમાન નિયમનો 4થી ફેબ્રુઆરી સુધીના છે. હવે કોરોના સંક્રમણ તથા દૈનિક કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો હોવાની હકિકતને ધ્યાને રાખીને નિયંત્રણોમાં છુટછાટો જાહેર થઈ શકે છે. જેમાં લગ્નોમાં હાલ 150 વ્યક્તિઓને હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે. એમાં 300 વ્યક્તિઓને છૂટ આપવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત કરફ્યુમાં પણ વધુ છૂટ આપવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા કોરોનાના દૈનિક કેસ 24000થી અધિક થયા હતા તે ગઈકાલે મંદળવારે  8300થી વધુ હતા. આમ, ગણતરીના દિવસોમાં દૈનિક કેસ ત્રીજા ભાગના થઈ ગયા છે. સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે, તેને ધ્યાને રાખીને નિયંત્રણો હળવા કરવાની વિચારણા છે. 4 ફેબ્રુઆરી સુધીના વર્તમાન નિયંત્રણોની મુદત પૂર્ણ થયા બાદ છૂટછાટોનો લાભ મળશે. રાત્રી કરફયૂમાં એક કલાકની ઢીલ આપવાની વિચારણા છે.  રાત્રે 10 વાગ્યાથી કરફયૂનો અમલ થાય છે તે વધારીને 11 કલાકનો કરવામાં આવે તેવી શકયતા છે. ભાજપના જ કેટલાક આગેવાનોએ સરકારમાં રજુઆત કરીને વધુ છૂટછાટ આપવાની માગણી કરી છે.
હાલ જોરદાર લગ્નગાળો છે. ખાસ કરીને પાંચમી ફેબ્રુઆરીએ વસંતપંચમીના  દિવસે હજારો લગ્નો યોજાવાના છે તેમાં રાહત મળે તે માટે લગ્નમાં મહેમાનોની સંખ્યા પરના નિયંત્રણ પણ હળવા કરાશે. હાલ લગ્ન કે કોઈપણ સમારોહમાં મહત્તમ 150 લોકોની મર્યાદા નિર્ધારિત છે તે હવે વધારીને 300 કરવામાં આવે તેવી શકયતા છે.

આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે પણ રાહત સંભવ છે. હાલ માત્ર ધો.10થી 12ના જ ઓફલાઈન વર્ગોને છૂટ્ટ છે. ધો.1થી 9ના વર્ગો ઓનલાઈન ધોરણે જ ચલાવવામાં આવી રહ્યા છે. પાંચમી ફેબ્રુઆરી સુધી આ નિયમ અમલી રાખવાનું જાહેર થયું છે. હવે કોરોના સંક્રમણમાં રાહત હોવાથી ધો.5થી 9ના ઓફલાઈન વર્ગોને પણ મંજૂરી આપવામાં આવે તેવી શકયતા છે અને તબકકાવાર અન્ય વર્ગોના વિદ્યાર્થીઓની છૂટ્ટ અપાય તેવી શક્યતા છે. રાજ્ય સરકારનું એવું માનવું છે કે, કોરોનાની વર્તમાન લહેરનો ખરાબ સમય હવે પુરો થઈ ગયો છે. સંક્રમણ દર ઘટયો છે. નવા કેસ કરતા સાજા થતા દર્દીઓની સંખ્યા વધી છે ત્યારે હવે કોવિડ નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં ખાસ જોખમ નથી.