Site icon Revoi.in

ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડોઃ એક લાખથી ઓછા કેસ નોંધાયાં, 11 લાખથી વધારે એક્ટિવ કેસ

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો એક લાખથી ઓછો રહ્યો છે. 24 કલાકમાં કોરોનાના 83876 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેની સાથે રાહતની વાત એ છે કે, 1.99 લાખ દર્દીઓ સાજા થયા હતા. હાલ દેશમાં લગભગ 11 લાખ જેટલા એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોનાના પોઝિટિવ કેસનો ગ્રાફ ઘટી રહ્યો છે. બીજી તરફ રિકવરી રેટમાં વધારો થયો છે. હાલ દૈનિક પોઝિટિવીટી રેટ 7.25 ટકા છે. જ્યારે રિકવરી રેટ 98.19 ટકા જેટલો છે. 24 કલાકમાં સમગ્ર દેશમાં 11.56 લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જે પૈકી 83876 પોઝિટિવ કેસ નોંધાયાં છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 74.15 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. 24 કલાકમાં 1.99 લાખ દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. આમ સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 4.07 કરોડ લોકોએ કોરોનાને હરાવ્યો છે. હાલ દેશમાં સક્રિય કેસનું ભારત લગભગ 2.62 ટકા જેટલું છે. દેશમાં હાલની સ્થિતિએ 11 લાખ જેટલા એક્ટિવ કેસ છે.

કોરોનાનો એક માત્ર રામબાણ ઇલાજ કોવિડ-19 વેક્સિન છે. જેથી દેશમાં રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કોરોનાની રસીના 170 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યાં છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા દેશના અનેક રાજ્યોમાં આજથી ફરીથી સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે.