અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના પણ કોરોનાના કેસ ફરી સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ વિવિધ વિસ્તારમાં કોરોના ટેસ્ટ માટે કેમ્પ ઉભા કરવામાં આવ્યાં છે. તેમજ ખોખરા, બોપલ, ભાઈપુરા, બોડકદેવ વિસ્તારની આઠેક સોસાયટીઓને કન્ટેનમેન્ટ ઝોન જાહેર તરીકે જાહેર કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં કોરોના કેસ વધતા કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા બે દિવસમાં અલગ અલગ વિસ્તારની આઠ સોસાયટીને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી છે. ખોખરા, બોપલ, ભાઈપુરા, બોડકદેવ સહિતના વિસ્તારોની સોસાયટીઓને માઈક્રો કન્ટેનમેન્ટમાં સમાવવામાં આવી છે. આ ઉપરાંત કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. તેમજ વિવિધ વિસ્તારમાં ટેસ્ટીંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં કોરોનાની સરકારી ગાઈડલાઈનનું પાલન નહી કરનારાઓ સામે પણ ફરીથી યુદ્ધના ધોરણે દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પડોશી રાજ્યોની સરહદો ઉપર ચેકપોસ્ટ ઉભી કરીને કોરોનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.