Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના કેસો વધતા ખાનગી હોસ્પિટલોમાં ફરીવાર વેઈટિંગની સ્થિતિ

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના  કેસોમાં ચિંતાજનક વધારો થતાં લોકોમાં કઈ હોસ્પિટલમાં દાખલ થવું એ સવાલ મૂંઝવી રહ્યો છે. શહેરમાં ખાનગી હોસ્પિટલોની સંખ્યા અને બેડ વધારવા છતાં હાલ 75 ટકા બેડ ભરાયેલાં છે. ખાનગી હોસ્પિટલોમાં પણ હાલમાં દિવાળી સમયે જે સ્થિતિ હતી એવી સ્થિતિનું ફરીવાર સર્જન થયું છે. બીજી તરફ ઘેરબેઠાં સારવાર લઈ રહેલાઓમાંથી કેટલાક તબિયત ચોથા કે પાંચમા દિવસે બગડતાં તેમને ઈમર્જન્સી હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડે છે, ત્યારે તેમનાં કુટુંબિજનો કઈ હોસ્પિટલમાં જગ્યા હશે અને એના ચાર્જીસ કેટલા હશે, ડિપોઝિટ કેટલી ભરવી પડશે એની ચિંતામાં મુકાઈ જાય છે. શહેરના  મ્યુનિ. તંત્ર પાસે આ અંગે માર્ગદર્શન આપવા સેન્ટ્રલ ડેસ્ક કે એવી કોઈ જ વ્યવસ્થા નથી.

શહેરમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાના કેસો વધતા જાય છે. ત્યારે ફરીવાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે વેઈટિંગની સ્થિતિ સર્જાઈ રહી છે. ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવનારાઓને લેખિત રિપોર્ટ અપાતો ન હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ થવામાં હાલાકી ભોગવવી પડે છે. જ્યારે 108વાળા હોસ્પિટલમાં પ્રવેશ નક્કી હોય એની ખાતરી અપાય તો જ દર્દીને બેસાડે છે. એમાં પણ બીજા રાજ્યનું આધારકાર્ડ હોય તો વધુ ચકાસણી કરે છે.

છેલ્લા 24 કલાકમાં મ્યુનિ.એ 1869 એકટિવ કેસો હોવાનું જણાવ્યું છે, જ્યારે અમદાવાદ મેડિકલ એસો.ની વેબસાઇટ પર ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓનો આંકડો 2785 બતાવ્યો છે. તો શું આ દર્દીઓ અમદાવાદના નથી ? ખાનગી હોસ્પિટલના આંકડા અને મ્યુનિ.ના આંકડામાં આટલો મોટો તફાવત કેમ ? એનો જવાબ કોઈનીય પાસે નથી. શહેરમાં કોરોનાના કેસ રોજેરોજ નવો રેકોર્ડ રચી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ 75 ટકા દર્દી ઓક્સિજન પર છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં 219 દર્દી વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે. 664 કેસ નોંધાવાની સામે 600 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ડેપ્યુટી મેયર ગીતા પટેલને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.