દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હામાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાના પગલે દિલ્હી સરકારે ચિંતા વ્યક્ત કરી છે. દરમિયાન વિકએન્ડ કરફ્યુ નાખવામાં આવ્યો છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ દિલ્હીની પ્રજાને કામ વિના બહાર ન નીકળવા માટે અપીલ કરી છે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે પણ વિનંતી કરી છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ દિલ્હીમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાત્રિ કરફ્યુ બાદ હવે વિકએન્ડ કરફ્યુની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે ડીડીએમએની બેઠકમાં સરકારે નિર્ણય લીધો છે કે, શનિવાર અને રવિવાર કરફ્યુ રહેશે. આ ઉપરાંત તમામ સરકારી કચેરીઓમાં જરૂરી સેવાઓને તમામ કચેરીમાં આવતા કર્મચારીઓને ના પાડીને ઓનલાઈન અથવા વર્ક ફ્રોમ હોમ કરવામાં આવ્યાં છે. ખાનગી કચેરીમાં 50 ટકાની ક્ષમતા સાથે કામ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થયાનું સામે આવ્યું છે. તેમણે સવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી અને કહ્યું હતું કે, સંક્રમણના લક્ષણો હળવા છે. મુખ્યમંત્રીએ એ તમામ લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવા વિનંતી કરી છે જેઓ તેમના સંપર્કમાં આવ્યાં હતા. દિલ્હી ઉપરાંત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના પરિણામે અનેક રાજ્યોમાં સ્કૂલો બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશનનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં માસ્ક અને સામાજીક અંતરને લઈને લોકોની સામે કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોના ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે.