Site icon Revoi.in

કોરોના સંકટઃ દેશમાં ડોર ટુ ડોર રસીકરણ અભિયાન ચલાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

Social Share

દિલ્હીઃ કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રરહ્યું છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે ડોર ટુ ડોર કોવિડ રસીકરણની માંગણી ઉપર સુનાવણીનો ઈન્કાર કર્યો હતો. તમજ અદાલતે કહ્યું હતું કે, રસીકરણ અભિયાન યોગ્ય રીતે ચાલી રહ્યું છે. એટલું જ નહીં 60 ટકા લોકોએ ઓછામાં ઓછો કોવિડ-19ની રસીનો એક ડોઝ લઈ લીધો છે. જેથી વધારે આદેશની જરૂર લાગતી નથી.

કેસની હકીકત અનુસાર સમગ્ર દેશમાં કોરોનાને નાથવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ અત્યાર સુધીમાં 70 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોને ફ્રીમાં આ રસી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ ઉપરાંત મેડિકલ કંપનીઓને પણ રસીનું ઉત્પાદન વધારવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન રસીકરણ અભિયાનને લોકોના ઘર સુધી લઈ જવા માટે ડોર-ટુ-ડોર ચલાવવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. જો કે, સુપ્રીમ કોર્ટે અરજી ઉપર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. આ ઉપરાંત કોરોના મહામારીમાં થયેલા મૃત્યુ મેડિકલ બેદરકારીથી થઈ હોવાનું માનીને તેમના પરિવારજનોને વળતર આપવાની માંગ પણ સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે તે દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ એવુ ના કહી શકાય છે કે, આ મૃત્યું મેડિકલ બેદરકારીને કારણે થયાં છે.