Site icon Revoi.in

સૌરાષ્ટ્રના જેતપુરમાં ધમધમતા સાડી ઉદ્યોગને પણ કોરોનાનું ગ્રહણ નડ્યુઃ માત્ર 25 ટકા જ એકમો ચાલુ

Social Share

રાજકોટઃ કોરોનાને લીધે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ઉદ્યોગ-ધંધાને નુકશાની વેઠવી પડી છે. જેમાં જેતપુરના સાડી અને ડ્રેસ મટિરિયલના ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. જેતપુરમાં સાડી અને ડ્રેસ મટિરિયલ છાપકામનો ઉદ્યોગ પરંપરાગત રીતે વર્ષોથી ચાલી રહ્યો છે. વૈશ્વિક મહામારીને લીધે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ધંધા રોજગારની સ્થિતિ પણ વણસી ચૂકી છે. જેતપુરના આ ઉદ્યોગમાં પરપ્રાંતિય લોકો વધુ સંખ્યામાં કામકાજ કરે છે. જોકે મોટાંભાગના કારીગરો વતન જતા રહેતા હવે મુશ્કેલી છે. બીજી તરફ મુખ્ય માર્કેટો બંધ રહેતા નવા ઓર્ડર નથી અને નિકાસ પણ ઠપ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જેતપુર શહેરમાં 1500થી વધુ સાડી પ્રિન્ટીંગ યુનિટમાં 30 થી 40 હજાર પરપ્રાંતિય શ્રમિકો કામ કરે છે. ગત વર્ષે લોકડાઉન થતાં આ પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે હેરાન થયા હતા. તેથી ઉદ્યોગકારોએ પોતાના ખર્ચે તેમને વતન મોકલ્યા હતા. આ વખતે પણ લોકડાઉન થઇ જશે તો તેઓ હેરાન થશે તેવું વિચારી મોટાભાગના કારીગરો તેમના વતન જતા રહ્યા છે. તેથી હાલ કામ થઇ શકતુ નથી. ઉપરાંત જે રાજ્યોમાં માલ મોકલવામાં આવતો હતો તે રાજ્યો બિહાર, ઓડિસા, કોલકાતા, બંગાળમાં લોકડાઉન હોય ત્યાંના વેપારીઓ ઓર્ડર આપતા નથી. આમ બેવડો માર પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં લોકડાઉનને લીધે કોટનનું કાપડ બહુ ઓછું આવે છે. એ કારણે 25 ટકા જેટલા કારખાનાઓમાં જ અત્યારે કામકાજ થઇ રહ્યું છે. નાના કારખાનેદારોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે.

કારખાનાનું ભાડુ, લોનના હપ્તા, માણસોના પગાર પણ ચૂકવી શકાય તેટલું કામ ભાગ્યે જ ચાલે છે. જો માલ છાપવામાં આવે તો નુક્સાની વધી જાય છે. હવે સાડી અને ડ્રેસ મટિરીયલ સાથે જોડાયેલા અન્ય ધંધા પણ ઠપ થઇ ગયા છે. જેતપુરમાં મુખ્ય ઉદ્યોગ તરીકે એક માત્ર સાડી ઉદ્યોગ હોય મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાઇંગ એસો.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, નાના કારખાનેદારો મુશ્કેલીમાં મૂકાયા છે. કારખાના ઉપર જ તેમના પરિવારનું ભરણ પોષણ ચાલતું હોય છે.