Site icon Revoi.in

કોરોનાને લીધે સર્જિકલ સાધનોની માગમાં વધોરો થતા  ભાવમાં ઉછાળો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થી રહ્યો છે. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. રાજ્યમાં હોસ્પિટલોમાં બેડની અછત સર્જાતા કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા છે. તેની સાથે કેટલીક સર્જિકલ વસ્તુઓની પણ માગમાં એકાએક ઊછાળો આવ્યો છે. કોરોનાની દહેશતે તમામ સર્જિકલ વસ્તુઓ કોરોનાના દર્દી સિવાય સામાન્ય લોકો પણ ખરીદી રહ્યા છે, જેમાં ઓક્સિફ્લોમીટર, નેબ્યુલાઇઝર, થર્મોમીટર, વેપોરાઇઝર, ઓક્સિમીટર વગેરેનો સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં લોકો ખરીદતા હોવાથી આ સાધનોની પણ અછત ઊભી થઇ છે. હવે વિક્રેતાઓ ભાવ પણ વધારી રહ્યા છે.

રાજ્યમાં કોરોનાને લીધે વિકટ સ્થિતિ ઊભી થઈ છે. કોવિડ હોસ્પિટલો ભરાઇ ગઇ હોવાથી મોટા ભાગના લોકો ઘરે જ આઇસોલેટ થયા છે તેથી ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા લોકો પોતાના ઘરે જ કરી રહ્યા છે. પરંતુ આના કારણે સિલિન્ડરની ઉપર લગાવવામાં આવતું ઓક્સિફ્લોમિટર હાલ બજારમાં ક્યાંય જોવા મળતું નથી.

સર્જીકલ ચીજોનું વેચાણ કરતા એક વેપારીએ જણાવ્યું હતુ કે ઓક્સિફ્લોમિટરની માગ એટલી વધી ગઈ છે છેલ્લા ઘણા દિવસોથી માર્કેટમાં અમે પણ ઓક્સિફ્લોમિટર જોયું નથી, આગળથી પૂરતો માલ આવતો નથી. રોજની 400થી 500થી વધુ ઓક્સિફ્લોમિટર માટેની પૂછપરછો આવે છે. પરંતુ આવશ્યક હોવાથી અને બીજે ઉપલબ્ધ નહી હોવાથી લોકો બ્લેકમાં ખરીદે છે જેની એમઆરપી રુ. 1750-1800ની છે, તે હાલમાં બ્લેકમાં રૂ. 5000માં મળે છે.

શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ માપવા વપરાતુ પહેલા ઓક્સિમિટર 700 રૂપિયામાં મળતું હતું. પરંતુ જે રીતે કોરોનાના કેસ વધ્યા તે રીતે લોકો સાવચેતીના ભાગરૂપે ઓક્સિમિટરની ખરીદી કરવા લાગ્યા, જેથી હાલ ઓક્સિમિટરની કિંમત રુ.1800થી 2000 સુધી પહોંચી ગઈ છે. સાથે બજારમાં કેટલાક નકલી ઓક્સિમિટર પણ સસ્તા ભાવે મળતા થઈ ગયા છે. જોકે ઓક્સિમિટરની બજારમાં ભારે ડિમાન્ડ છે પણ તે દરેક જગ્યાએ મળી રહે છે.

નિટ્રીલ અને લેટેક્સ આ 2 પ્રકારના ગ્લોઝ કે જેનો કોરોના કાળ પહેલા નહીંવત ઉપયોગ થતો હતો. આજે એની પણ ઘણી ડિમાન્ડ છે. જોકે મેડિકલ ક્ષેત્ર નિટ્રીલ ગ્લોઝનો ઉપયોગ વધુ થાય છે. જેની કિંમત 1 વર્ષ અગાઉ 100 નંગના 800 રૂપિયા હતી, જે હાલમાં રૂ. 1600થી 2000ની થઇ ગઇ છે. આ મહામારીના સમયે લોકોમાં તાવ અને શરદી-ઉધરસ જેવા લક્ષણો વધારે જોવા મળે છે. જેથી વેપોરાઈઝર અને થર્મોમિટરનું પણ વેચાણ ખૂબ જ વધ્યું છે. વેપોરાઈઝરની કોરોના સંક્રમિત સિવાય સામાન્ય લોકો પણ  મદદ લે છે. એક વર્ષ અગાઉ આ વેપોરાઈઝર 90-100રૂપિયા મળતું હતી. આજે તેની કિંમત રૂ. 200-250 થઈ ગઈ છે અને બજારમાં ડિમાન્ડ પણ વધી છે.