Site icon Revoi.in

કોરોના વ્યવસ્થાપન-રસીકરણનું મોડલ અન્ય દેશો માટે સંશોધનનો વિષય બન્યું : કેન્દ્રીય આરોગ્ય

Social Share

અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે ભારત સરકારની સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની 14મી બેઠક અંતર્ગત ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાંથી પ્રાપ્ત થનારું મંથન-ચિંતનરૂપી અમૃત્ત દેશના આરોગ્ય ક્ષેત્રમાં નવા પ્રાણ પૂરશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાના અધ્યક્ષસ્થાને 5 થી 7 મે દરમિયાન યોજાઈ રહેલી આ શિબિરમાં દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, સચિવો, તબીબી નિષ્ણાતો સહભાગી બન્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આઝાદીનો અમૃત્ત મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે, જેના ઉપલક્ષ્યમાં એકતાનગર ખાતે તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ, રાજ્ય અને કેન્દ્રીય મંત્રીગણ, તજજ્ઞો દ્વારા દેશની આરોગ્ય સેવા, સ્વાસ્થ્ય ચિકિત્સા પદ્ધતિઓ, આયુર્વેદ, આયુષ, યોગને વ્યાપક અને બહેતર બનાવવા વિચારમંથનના સંયુક્ત પ્રયાસો હાથ ધરાયા છે. બદલાતા સમય સાથે ગુજરાતના આરોગ્ય માળખાને સુદ્રઢ કરી આરોગ્ય સેવાઓમાં આમૂલ પરિવર્તન કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ગુજરાતમાં અનેકવિધ યોજનાઓના અસરકારક અમલીકરણથી વર્ષ 2020-21માં સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ, નીતિ આયોગ ઈન્ડેક્ષ- આરોગ્ય અને સુખાકારીમાં ગુજરાત રાજ્ય 86 સ્કોર સાથે સમગ્ર દેશમાં મોટાં રાજ્યોમાં પ્રથમ ક્રમે છે. નવજાત શિશુથી માંડીને વરિષ્ઠ નાગરિક સુધીના તમામ લોકો સ્વસ્થ-તંદુરસ્ત રહે તેવી સઘન આરોગ્ય સુવિધા સેવાઓ માટે આ વર્ષના બજેટમાં રૂ.12240 કરોડ ફાળવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા એ ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરના પ્રારંભિક સેશનમાં કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યોના સંયુક્ત પ્રયાસથી સ્વસ્થ ભારતના નિર્માણ તરફની પહેલ આજે ચિંતન શિબિરમાં હાથ ધરવામાં આવી છે. દેશના આરોગ્યસેવાઓની માળખાગત સુવિધાઓને વધુ સુદઢ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં 64000 કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં પાંચ વર્ષ માટે એક જિલ્લામાં 100 કરોડના ખર્ચે આરોગ્ય લક્ષી વિવિધ માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. આ પ્રકલ્પોમાં મેડિકલ કોલેજ ટર્શરી કેર સુવિધાઓ, અત્યાધુનિક લૅબ, તકનીકી સેવાઓ ઉપકરણો આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ‘ટોકન નહીં, પરંતુ ટોટલ વિકાસ’ની વિચારધારાનો સંદર્ભ આપતા મંત્રીએ કહ્યું કે, દેશમાં આરોગ્ય માળખાને કેટલાક લોકો અને વિસ્તાર પૂરતા સિમિત ન રાખીને સર્વગ્રાહી બનાવવા તાજેતરમાં બ્લોક સ્તરે આરોગ્ય મેળાની શરૂઆત કરવામાં આવી છે. દેશના 6000 જેટલા તાલુકાઓ અને ગ્રામ્ય સ્તરે સફળતાપૂર્વક આવા આરોગ્યમેળાઓ યોજીને નાગરિકોને આરોગ્યવિષયક સુવિધાઓ અને સેવાઓ સરળતાથી પહોંચાડવામાં આવી છે.