Site icon Revoi.in

દેશમાં કોરોના રસીકરણનો આંકડો 44.10 કરોડને પાર,સોમવારે 57 લાખથી વધુ લોકોને ડોઝ મળ્યો

Social Share

દિલ્હી : દેશભરમાં કોરોનાની બીજી લહેરની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે અને સંક્રમણના કેસો પણ ઘટી રહ્યા છે. જો કે, ત્રીજી લહેરની શક્યતાઓને કારણે, દેશમાં કોરોના વેક્સિનેશન પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને દરરોજ લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે. સરકારનો પ્રયાસ છે કે શક્ય તેટલી વહેલી તકે સમગ્ર વસ્તીને રસી આપવામાં આવે, જેથી કોરોનાથી થતાં નુકસાનને અટકાવી શકાય.

ભારતમાં કોરોના રસીના 44.10 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. સાંજે 7 વાગ્યે મળેલા અહેવાલ મુજબ દેશમાં સોમવારે 57 લાખથી વધુ લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. સરકારના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતનો કુલ રસીકરણનો આંકડો હવે 44,10,57,103 પર પહોંચી ગયો છે. 37 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 વર્ષની વય જૂથના 14,19,55,995 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે અને કુલ 65,72,678 લોકોએ બીજો ડોઝ લીધો છે.

ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ, આ પાંચ રાજ્યોએ 18-44 વય જૂથને એક કરોડથી વધુ ડોઝ આપ્યો છે. આ ઉપરાંત, આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, ઝારખંડ, કેરળ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઓડિશા, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં 18 થી 44 વય જૂથના 10 લાખથી વધુ લાભાર્થીઓને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો, સોમવારે દેશમાં કોવિડના નવા 39,361 કેસ નોંધાયા હતા, ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા વધીને 3,14,11,262 થઇ ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા અપડેટ આંકડા મુજબ, દેશમાં 416 વધુ લોકોના સંક્રમણથી મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 4,20,967 થઇ ગઈ છે. દેશમાં એક્ટિવ દર્દીઓ 4,11,189 છે, જે કુલ કેસના 1.31 ટકા છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં કુલ 2,977 કેસ નોંધાયા છે.